કોરોના વૅક્સિનનું ગુજરાતમાં આગમન

કોરોના વૅક્સિનનું ગુજરાતમાં આગમન
વૅક્સિનના 2 લાખ 76 હજાર યુનિટનો જથ્થો રાજ્યના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવાનો આરંભ 
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 12 જાન્યુ. 
ગુજરાત માટે મંગળવારનો દિવસ મંગળમયી બની રહ્યો હતો. વિશ્વ આખાને પરેશાન કરી નાંખનારી કોરોના મહામારીની વેક્સિન કોવિશીલ્ડનો જથ્થો અમદાવાદ આવી ગયો છે. પૂનાથી હવાઇ માર્ગે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિનનો 2,76,000નો જથ્થો આવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ચાંલ્લો કરી શ્રીફળ વધેરીને આવકાર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપાસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ તબક્કે મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્યો અને સાંસદો રસી નહીં લઇને વોરિયર્સને પ્રાધાન્ય અપાશે એમ ગઇકાલે નીતિન પટેલે જણાવ્યું હતુ. જોકે તેનાથી રસીની આડઅસર અંગે વધુ શંકા લોકોના મનમાં ઉત્પન્ન થઇ છે. 
નીતિન પટેલ દ્વારા વેક્સિનના જથ્થાને  ગુજરાતના વિવિધ સ્થળોએ પહોંચાડવા લીલીઝંડી આપીને રવાના કરવામાં આવ્યો હતો. પટેલે અમદાવાદ એરપોર્ટ પર આવેલા પ્રથમ તબક્કાના કોરોના વેક્સિનના જથ્થાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ વેક્સિનનો જથ્થો  કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. એક બોક્સમાં 12,000ના જથ્થા સાથે વેક્સિનના કુલ 23 બોક્ષ અત્રે આવી પહોંચ્યા છે. 
ગાંધીનગર ઝોનમાં બનાવેલા સ્ટેટ વેક્સિન સ્ટોરમાં 8 બોક્સ એટલે કે 96 હજાર વેક્સિન ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે રિજિયોનલ વેક્સિન સ્ટોરમાં 10 બોક્સ એટલે કે કુલ 1 લાખ 20 હજાર વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર ઝોનમાં 5 બોક્સ એટલે કે 60 હજારનો જથ્થો પહોંચાડવામાં આવશે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ સુરક્ષા સાથે સમગ્ર વેક્સિનનો જથ્થો  જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવ્યો છે. 
આવતીકાલે 13મી જાન્યુઆરીના રોજ પૂનાથી મોટરમાર્ગે કોલ્ડ ચેન દ્વારા સુરતમાં 93,500 વેક્સિનનો જથ્થો,  વડોદરામાં 94,500 વેક્સિન નો જથ્થો  અને રાજકોટ ખાતે 77 હજાર કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો નાગરિકો માટે પહોંચાડવામાં આવશે?. 
પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય કર્મીઓ અને નાગરિકોને સરળતાથી વેક્સિન મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં 20 હજાર વેક્સિન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું પટેલે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના 4 લાખ 33 હજાર  સરકારી અને ખાનગી આરોગ્ય સાથે સંકળાયેલા તબીબો, નર્સિંગ સ્ટાફ,પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓમાં રસીકરણ પ્રાથમિક તબક્કે રસીકરણ કરવામા આવશે તેમ નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું. 
પ્રથમ તબક્કે મુખ્ય પ્રધાન, પ્રધાનો, ધારાસભ્યો અને સાંસદો રસી નહીં લઇને કોરોના વોરિયર્સને લાભ આપશે તેમ ગઇકાલે નીતિન પટેલે નિવેદન આપ્યું હતુ. તેના પગલે લોકોમાં રસી પ્રત્યે વિશ્વાસ ઉભો થવાને બદલે લોકો આડઅસર થશે તેવા ભયથી ફફડી રહ્યા છે. 
પટેલે વધુ વિગતો આપતા કહ્યું કે 16મી તારીખે સમગ્ર રાજ્યમાં રસીકરણની પ્રક્રિયાના પ્રાથમિક તબક્કાનો પ્રારંભ થનાર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના 287 રસીકરણ કેન્દ્રો  પર આરોગ્ય કર્મીઓ, તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ સાથે વીડિયો કોન્ફરન્સિગ મારફતે સમગ્ર રસીકરણ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નરેન્દ્ર મોદી દ્વારા તબીબો સાથે વાતચીત કરીને રસીકરણની અસરકારક અમલવારી માટે પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવશે.  
અમદાવાદ એરપોર્ટ પર વૅક્સિનના જથ્થાના સ્વીકાર પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો જયંતિ રવિ, કોરોના રસીકરણ પ્રક્રિયાના રાજ્યના નોડલ અધિકારી મુકેશ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer