સુપ્રીમ કોર્ટનો આદેશ આવકાર્ય, પણ આંદોલન ચાલુ જ

સુપ્રીમ કોર્ટનો આદેશ આવકાર્ય, પણ આંદોલન ચાલુ જ
સર્વોચ્ચ અદાલતના નિર્ણયને આવકારતા પવાર
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 12 જાન્યુ.
કૃષિ સુધારા કાયદાઓનો અમલ સ્થગિત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને ખેડૂત નેતાઓએ આવકાર આપ્યો હતો, પરંતુ સાથોસાથ કહ્યંy હતું કે, જ્યાં સુધી આ કાયદાઓ સંપૂર્ણપણે રદ ન કરાય ત્યાં સુધી તેઓ આંદોલન પાછું ખેંચવાના નથી.
આંદોલન ચલાવી રહેલા ચાલીસેક કિસાન સંગઠનોની છત્રરૂપ સંસ્થા સંયુક્ત કિસાન મોરચાએ તેનો હવે પછીનો કાર્યક્રમ નક્કી કરવા માટે એક બેઠક બોલાવી છે.
ખેડૂત નેતાઓએ કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટે નીમેલી નિષ્ણાત સમિતિની સમક્ષ કોઈ કાર્યવાહીમાં ભાગ લેવા માગતા નથી.
જોકે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના નેતા શરદ પવારે સમિતિની રચનાને આવકાર આપ્યો હતો. `ત્રણે કૃષિ કાયદાઓનો અમલ સ્થગિત કરવાનો અને વિવાદ ઉકેલવા ચાર સભ્યોની સમિતિ રચવાનો સર્વોચ્ચ અદાલતનો નિર્ણય આવકારપાત્ર છે,' એમ પવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું.
કૃષિ કાયદાઓનો અમલ સ્થગિત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું અમે સ્વાગત કરીએ છીએ, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ કાયદાઓ સંપૂર્ણપણે રદ થાય. એ જ અમારી મુખ્ય માગણી છે,' એમ મોરચાના એક વરિષ્ઠ નેતા અભિમન્યુ કોહારે કહ્યું હતું.
અન્ય એક કિસાન નેતા હરિન્દર લોખવાલે કહ્યું કે જ્યાં સુધી કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી વિરોધ આંદોલન ચાલુ રહેશે. 
અમને કમિટીના પ્રસ્તાવમાં રસ નથી અને એ વાત અમે શરૂઆતમાં સરકારે સમિતિ નીમવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારથી જ કહેતા આવ્યા છીએ. પરંતુ હવે સુપ્રીમ કોર્ટ ચિત્રમાં આવી છે. જોઈએ સમિતિ કઈ રીતે કામ કરે છે, એમ અૉલ ઇન્ડિયા કિસાન સભા (પંજાબ)ના ઉપપ્રમુખ લખબીર સિંઘે કહ્યં હતું.
અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરીએ છીએ, પરંતુ તે આદેશ માત્ર કાયદાનો અમલ રોકવા માટેનો છે, રદ કરવા માટેનો નથી. જ્યાં સુધી આ કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. આંદોલન ચાલુ રહેશે. અમે સમિતિની રચનાની જ વિરુદ્ધ છીએ. જોકે, સરકારે નીમેલી સમિતિ અને સુપ્રીમ કોર્ટે નીમેલી સમિતિમાં ફરક છે, એમ ભારતીય કિસાન યુનિયન (પંજાબ)ના વરિષ્ઠ ઉપપ્રમુખ મનજિત સિંઘે કહ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer