ઈફકોના નેનો ટેક્નૉલૉજી ધરાવતા યુરિયા પ્રોજેક્ટને ટૂંક સમયમાં મંજૂરી

સહકારથી આત્મનિર્ભરતા તરફ
અમદાવાદ, તા. 22 જાન્યુ.
દેશભરમાં અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર સંસ્થા `ઈફકો' એ ખાતરના ઉત્પાદનમાં હિતકારી સંશોધન કરી યુરિયા લીકવીડ સ્વરૂપે શોધી નાખ્યું છે અને સહકારથી સ્વરોજગાર અને આત્મનિર્ભરતા સાબિત કરીને મોટી ગની બેગમાં આવતું ખાતર હવે નાના 500 ગ્રામ પેકેજમાં બનતા હવે કેન્દ્રનું યુરિયા માટેનું વર્ષે 70,000 કરોડનું હૂંડિયામણ બચી જશે.
ગુજરાતના સહકારી અગ્રણી અને ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ `વ્યાપાર' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દેશના 11,000 જેટલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોએ આ સંશોધનમાં `ઈફકો'ને મદદ કરવા અગ્ર ભાગ ભજવ્યો છે. સબસીડી અને આયાતની ખૂબ મોટી બચત થશે. તેઓના જણાવ્યા અનુસાર ઈફકો દ્વારા આ ખાતરનુ માર્કેટિંગ ટૂંક સમયમાં શરૂ કરાશે.
કેન્દ્ર સરકારે ઈફકોને આ 500 એમએલ લીકવીડ યુરિયાને મંજૂરી આપી દીધી છે અને આ બાબતમાં તમામ વિગતો ટૂંક સમયમાં જાહેર થશે. આ પ્રોજેક્ટ દેશભરમાં અમલમાં મુકાયેલી નેનો ટેકનૉલૉજીના  ભાગરૂપે તૈયાર કરવામાં આવ્યો છે.
ઈફકોના કલોલ અને કંડલા ખાતે આવેલા ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં પણ શક્ય તેટલી રીતે ખાતરનું ઉત્પાદન વધે તે માટેના સંસ્થા દ્વારા પૂરેપૂરા પ્રયાસ થઈ રહ્યા છે.
સંઘાણીએ જણાવ્યું હતું કે દુનિયાની સાત અગ્રણી સહકારી સંસ્થાઓમાં `ઈફકો'ને તાજેતરમાં પ્રથમ સ્થાન મળ્યું છે જે દેશમાં સરકાર ખેડૂતોની આ સહકારી સંસ્થાના વિકાસમાં કેટલો રસ લઈ વિકાસ કરી રહી છે તે સાબિત થયું તે આપણા સૌ માટે ગૌરવ છે અને હવે નવું સૂત્ર છે કે સહકારથી આત્મનિર્ભરતા.
અંદાજે 20,000 કરોડના ટર્નઓવર સાથે દેશમાં અગ્રણ્ય સહકારી મંડળી છે અને ત્યારબાદ જ ગુજરાતની ખેડૂતોની અન્ય સંસ્થા અમુલનું નામ છે ત્યારબાદ ક્રીભકો અને દક્ષિણ ભારતની શ્રમજીવીઓની સહકારી આગળ છે.
નેશનલ કો-ઓપરેટીવ યુનિયન અૉફ ઈન્ડિયા દ્વારા વિજેતાઓનું સન્માન દિલ્હી ખાતે આગામી સપ્તાહે યોજાયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer