નાફેડની મગફળી ખરીદીમાં ધરખમ ઘટાડો, હજી સુધી માંડ 2 લાખ ટનની પ્રાપ્તિ

2019ની 26 લાખ ગૂણી 15 ફેબ્રુઆરીથી વેચશે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 22 જાન્યુ. 
ગુજરાતમાં મગફળીની ખરીદીના હવે અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે હવે નાફેડે વેચાણની જાહેરાત કરી છે. 15મી ફેબ્રુઆરીના દિવસથી નાફેડ મગફળી વેંચશે તેવો સંદેશ સંસ્થાએ વહેતો કર્યો છે. જોકે સંસ્થા જૂની 2019-20ની મગફળી પહેલા વેંચશે. દરમિયાન ગુજરાતમાં નાફેડ દ્વારા પુરવઠા નિગમ મારફતે મગફળીની ખરીદી ચાલુ છે. એમાં અત્યાર સુધીમાં 2.02 લાખ ટનની ખરીદી કરવામાં આવી છે. જે પાછલા વર્ષથી અર્ધા કરતા પણ ઓછી છે. 
મગફળીના વેપારીઓ કહે છે, નાફેડનો મેસેજ આવ્યો છે એમાં 15મી ફેબ્રુઆરીથી 2019નો માલ વેંચવાની જાહેરાત થઇ છે. એક અંદાજ પ્રમાણે નાફેડ પાસે 2019-20ની આશરે 90 હજાર ટન અર્થાત આશરે 26 લાખ ગુણી પડેલી છે. જ્યારે ચાલુ વર્ષમાં 75 લાખ ગુણી ખરીદવામાં આવી છે. આમ કુલ 1 કરોડ ગુણી જેટલી મગફળી સરકાર પાસે છે. એમાં ધીરે ધીરે વેચવાલી આવશે. 
મગફળીના ભાવ ખૂલ્લા બજારમાં ચાલુ વર્ષે મણે રુ. 1200 સુધીના ભાવ પ્રાપ્ત થયા છે. એ કારણે સરકારી ખરીદ કેન્દ્રો ઉપર કાગડાં ઉડે છે. પુરવઠા નિગમને મગફળી મળતી નથી. જોકે એક રીતે એ સારી બાબત છે. કારણકે સરકારી પૈસાનો બચાવ થઇ રહ્યો છે અને ખેડૂતોને ઉંચો સંતોષકારક ભાવપણ પ્રાપ્ત થાય છે. 
પુરવઠા નિગમે ચાલુ વર્ષે 4.69 લાખ ખેડૂતોની નોંધણી મગફળીની ખરીદી માટે કરી હતી. જોકે એમાંથી ફક્ત 1.09 લાખ ખેડૂતો મગફળી વેંચવા માટે કેન્દ્રો પર આવ્યા છે. 
સીંગદાણાના એક બ્રોકર કહે છે, ચીનની તેલમાં ખરીદી, દાણામાં નિકાસ વેપાર અને સ્થાનિકમાં બિયારણની ખરીદીને લીધે દાણાના ભાવ ખૂબ ઉંચે જતા રહ્યા છે. પરિણામે હવે નવા સોદા કરવામાં સૌને ડર લાગી રહ્યો છે. ખૂલ્લા બજારમાં મગફળીની આવક 70-75 હજાર ગુણી રહે છે. છતાં બધો માલ પીવાઇ જાય છે ત્યારે હવે નાફેડ વેચાણ કરે તો વધુ પુરવઠો આવશે. જોકે આ વર્ષે તેજી છે એટલે નાફેડે પણ વેંચવામાં ઉતાવળ કરવાની જરુર હોવાનો વેપારી મત છે. બીજી તરફ ગુજરાતમાં હવે ઉનાળુ વાવેતરનો આરંભ થઇ ચૂક્યો છે. મગફળીના ભાવ અને પાણીની સગવડ જોતા ચિક્કાર વાવણી થવાનો અંદાજ ખેડૂતો મૂકી રહ્યા છે. ઉત્પાદન પણ મોટું રહેશે. જોકે આ વર્ષે હવે ફેબ્રુઆરી પછી ચીનની તેલ અને દાણામાં કેવી માગ રહે છે તેના આધારે આગળની તેજી-મંદી નક્કી થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer