અમારા પ્રતિનિધ તરફથી
અમદાવાદ, તા. 22 જાન્યુ.
સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ પવનની દિશા બદલાય છે અને ઠંડીનું જોર ઘટે છે. પરંતુ રાજ્યમાં આવનારા દિવસોમાં કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસ બાદ 24 જાન્યુઆરીથી ઠંડી વધવાની છે. હાલ નલિયામાં તાપમાનનો પારો 6 ડિગ્રી પર પહોંચ્યો છે, તે 4 ડિગ્રી સુધી ગગડી શકે છે. રાજ્યમાં લોકોએ હજુ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે તેમ હવામાન વિભાગ કહે છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારે ઝાકળને લીધે વિઝીબિલિટી સાવ ઘટી ગઈ હતી. વાહનચાલકોને ગાડી ચલાવવામાં મુશ્કેલી પડી હતી. કચ્છમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. રાજકોટના જેતપુરમાં હિમવર્ષા જેવું વાતાવરણ બન્યું હતું. વાતાવરણમાં પલટાથી ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. ગાઢ ધુમ્મસ ને કારણે શિયાળુ પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી હતી. તો રાજકોટમાં વાતાવરણ પલટાને કારણે જીરાનું વાવેતર કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આગામી પાંચ દિવસ તાપમાન 10 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.