સાણંદમાં બનશે દેશનો સૌથી મોટો મલ્ટી મોડેલ લૉજિસ્ટિક પાર્ક

રાજ્ય સરકાર અને અદાણી પોર્ટ વચ્ચે એમઓયુ કરાયા  
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 22 જાન્યુ.
રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ એઇઝેડ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં 1450 એકર વિસ્તારમાં અંદાજિત રૂ. 50 હજાર કરોડના સંભવિત રોકાણ સાથે ભારતનો સૌથી વિશાળ મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થાપવા માટે  એમઓયુ છે. મલ્ટિ-મોડેલ લોજિસ્ટીક પાર્ક 25 હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પૂરી પાડશે.  
ઊદ્યોગ-ખાણ અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ લિ.ના સીઇઓ કરણ અદાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પરસ્પર હસ્તાક્ષર
કર્યા હતા.  
આ પ્રોજેક્ટથી રાજ્યના લોજિસ્ટીક ખર્ચમાં માતબર ઘટાડો થશે. પાર્ક દેશના અગ્રણી ઓટો હબ અમદાવાદ સાથે તેમજ આવનાર સમયમાં ગુજરાતમાં ઉભા થનારા અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો સાથે કનેક્ટિવીટી પૂરી પાડવાનું શ્રેષ્ઠ માધ્યમ પણ બનશે. એમ.કે. દાસે  જણાવ્યું કે આ પાર્કમાં સ્થપાનાર એર કાર્ગો ટર્મિનલ 4.6 કિ.મી લંબાઈનો રનવે ધરાવતું હશે, જેના પરિણામે અત્યંત મોટા માલવાહક વિમાનો કે હવાઈ જહાજોને હેન્ડલ કરી શકશે અને તેથી સ્થાનિક અને એક્સ્પોર્ટ માર્કેટ સાથે કનેક્ટિવીટી મળશે.  
આ પાર્કમાં રેલ ફ્રેઈટ ટર્મિનલ પણ હશે તેની દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર સાથે સીધી કનેક્ટિવીટી આપવામાં આવશે. 90 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વેરહાઉસ ઝોન વિકસાવવામાં આવશે, જે એર ફ્રેઈટ સ્ટેશન (4.5 મેટ્રિક ટન), ગ્રેડ-એ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાથી સજ્જ હશે.  
આ ઉપરાંત, આ પાર્કમાં 3 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બિઝનેસ સેન્ટર અને અલાયદું સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર પણ સ્થાપવામાં આવશે. પાર્કને કાયદાકીય મંજુરીઓ મળ્યા બાદ છ મહિનામાં નિર્માણ કાર્ય શરૂ કરીને તબક્કાવાર ત્રણ વર્ષમાં સમગ્ર પ્રોજેકટ પૂર્ણ કરવાનું આયોજન છે.         
આ પાર્કમાં સ્થાપિત વેરહાઉસમાં  38 લાખ ચોરસ ફૂટમાં ટેક્સ્ટાઈલ, બલ્ક, ઈ-કોમર્સ અને બીટીએસ સુવિધાઓ; 9 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બોન્ડેડ વેર હાઉસીસ, 4 લાખ ગ્રેડ-એ પેલેટાઈઝ્ડ ફેસિલીટી અને 60,000 પેલેટ્સની ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ પેલેટાઈઝ્ડ ફેસિલીટી હશે. 3.3 લાખ ક્ષમતા સામે આ કન્ટેનર યાર્ડમાં ચાર હેન્ડલીંગ લાઇન સાથેના ટીઈયુ (ટ્વેંન્ટી ફૂટ ઈક્વીવેલન્ટ્સ) હશે.  
આ ઉપરાંત, અન્ય કાર્ગો હેન્ડાલિંગ આંતરમાળખામાં સ્ટીલ કાર્ગો યાર્ડ 4 લાખ મે.ટન, કાર યાર્ડ (30,000 કાર), એગ્રી સિલોસ (1 લાખ મે.ટન), પીઓએલ ટેન્ક ફાર્મ (3.5 લાખ કે.એલ) અને સીમેન્ટ સિલોસ (1 લાખ મે.ટન) સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer