મુંબઈ, તા. 22 જાન્યુ.
જાહેરક્ષેત્રની બૅન્કો અને ખાનગી બૅન્કો દ્વારા રોકડ રકમના ઉપાડ અને ડિપોઝિટ ઉપર વિવિધ ફી વસૂલવાના લેવાયેલા નિર્ણયથી નાના દુકાનદારો અને વેપારીઓ ઉપર નાહકનો આર્થિક બોજ આવતો હોવાથી તેને તાત્કાલિક રદ કરવાની માગણી ફેડરેશન ઓફ ઍસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર (ફામ)એ નાણાપ્રધાન નિર્મલા સીતારામનને પત્ર લખીને કરી છે. નાના દુકાનદારો અને વેપારીઓનો દૈનિક ધોરણે વેપાર કેશ ઍન્ડ કૅરી ધોરણે થાય છે અને બીજા દિવસે બૅન્કમાં રોકડ જમા કરે છે. હવે નવા નિયમથી દરેક ડિપોઝિટ ઉપર ફીનો બોજ તેમના માટે અસહ્ય બની જશે, તેથી તેને રદ કરવામાં આવે એમ ફામના ડિરેક્ટર જનરલ આશિષ મહેતાએ નાણાપ્રધાનને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે.