પૂરતી માહિતીને અભાવે એજન્સીઓ નવું રાટિંગ આપી શકતી નથી
મુંબઈ, તા. 22 જાન્યુ.
એક વાર રાટિંગ મેળવ્યા બાદ રાટિંગ એજન્સીઓને સહકાર ન આપતી કંપનીઓના કિસ્સા વધી રહ્યા છે. આને કારણે રાટિંગ એજન્સીઓને તેમના કામમાં અડચણ આવે છે અને તેમણે આ કંપનીઓને નોન-કોઅૉપરાટિંગ કેટેગરીમાં મુકવી પડે છે, એમ સૂત્રો જણાવે છે.
તાજેતરમાં ઇન્ડિયા રાટિંગસ ઍન્ડ રિસર્ચ એજન્સીએ રીડેક સિન્ડિકેટ લિમિટેડ લોન્ગ ટર્મ ઈસ્યુન્રને નોન-કોઅૉપરાટિંગ કેટેગરીમાં મૂકી હતી. એજન્સીના અનેક પ્રયત્નો છતાં કંપનીએ રાટિંગ એજન્સીને જરૂરી માહિતી અને સહકાર આપ્યો નહોતો. કંપનીના અગાઉના રાટિંગને સાવધાનીથી લેવાની ચેતવણી એજન્સીએ રોકાણકારોને આપી છે. કંપનીનું અગાઉનું રાટિંગ 19 ડિસેમ્બર 2019નું છે અને તેને નવું રાટિંગ આપવાની અશક્તિ એજન્સીએ વ્યક્ત કરી છે. કંપની ચા બનાવવાના ધંધામાં છે અને તેના શૅર કોલકાતા સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે.
આ જ રાટિંગ એજન્સીએ અન્ય એક કંપની એફટી ટેક્સ્ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડને પણ નોન-કોઅૉપરેટીવ વર્ગમાં મૂકી છે. 2010માં આ કંપનીની સ્થાપના ભિવંડી (થાણે)માં ફાયાઝુદ્દીન મુલ્લા દ્વારા કરવામાં આવી હતી. તે ગ્રે ફેબ્રિક્સ બનાવીને એફટી ગુરુ નામની બ્રાન્ડ હેઠળ વેચે છે. તેનું વેચાણ ખાસ કરીને સુરતમાં છે.
હવે કંપની રાટિંગના સુધારાવધારા બાબતમાં રાટિંગ એજન્સી સાથે સહકાર કરતી નથી એટલે જરૂરી માહિતીના અભાવમાં એજન્સી તેને યોગ્ય રાટિંગ આપવામાં અશક્ત છે જેને લઈને તેને આ વર્ગમાં મુકવામાં આવી છે, એમ એજન્સીએ જણાવ્યું છે.
બજાર નિયામક સેબીએ આ વિષે 3 જાન્યુઆરી 2020ના રોજ એક પરિપત્ર જારી કર્યો હતો જેના આધાર પર રાટિંગ એજન્સીએ આ પગલું ભર્યું છે.
આ પરિપત્રમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કંપની છ મહિના સુધી રાટિંગ એજન્સી સાથે સહકાર ન કરે તો એજન્સીએ તેને નોન-કોઅૉપરાટિંગ વર્ગમાં મુકવાની રહે.
આ જ સપ્તાહે ઇન્ડિયા રાટિંગ્સ ઍન્ડ રિસર્ચએ કેજરીવાલ બી કેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના લોન્ગ ટર્મ ઈન્સ્યુર રાટિંગને પણ નોન-કોઅૉપરેટીવ કેટેગરીમાં મૂકી દીધું છે. એજન્સીએ કહ્યું છે કે અમે વારંવાર કંપનીનો સંપર્ક કરી માહિતી મેળવવાના પ્રયત્નો કર્યા હતા પણ કંપનીએ તેમાં સહકાર આપ્યો નહિ એટલે અમારે આ પગલું લેવું પડ્યું છે. કેજરીવાલ ગ્રુપની આ કંપની 2002માં મધમાખીના ઉછેર અને મધ બનાવીને સ્થાનિક તેમ જ નિકાસ બજારમાં વેચવા માટે ઊભી કરાઈ હતી.
કંપનીઓ દ્વારા રાટિંગ એજન્સીને સહકાર ન આપવાના કિસ્સા વધ્યા
