10 ત્રિમાસિકમાં સૌથી વધુ
મુંબઈ, તા. 22 જાન્યુ.
જેએસડબ્લ્યુ ગ્રુપની મુખ્ય કંપની જેએસડબ્લ્યુ સ્ટીલે ડિસેમ્બર 2020માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના કોન્સોલિડેટેડ ચોખા નફામાં 12.70 ગણો ઉછાળો નોંધાવ્યો છે. જે રૂા. 2681 (રૂા. 211) કરોડ છે. આ ઉછાળો 10 ત્રિમાસિકમાં સૌથી વધુ છે. મજબૂત માગ નીકળવાથી ઓપરેટિંગ આવક નોંધપાત્ર વધતા નફામાં ઉછાળો આવ્યો છે.
ડિસેમ્બર ત્રિમાસિકની આવક 21.1 ટકા વધીને રૂા. 21,859 કરોડ થઈ છે. સ્થાનિક સ્તરે વૉલ્યુમ 13 ટકા વધીને 3.48 મિલિયન ટનનું થયું છે.
કંપની પ્રવક્તાએ કહ્યું કે, અૉટોમોટિવ, મશીનરી, બાંધકામ અને માળખાકીય ક્ષેત્રે સરકારી ખર્ચ વધતાં આ ક્ષેત્રો તરફથી ડિસ્ટોકિંગ અને તીવ્ર માગ વૃદ્ધિ થતાં કંપનીની પ્રોડક્ટસની માગ વધી છે.
મજબૂત માગને પગલે ડિસેમ્બર ત્રિમાસિકમાં સરેરાશ ક્ષમતાનો ઉપયોગ વધીને 91 ટકા થયો હતો. જે સપ્ટેમ્બરત્રિમાસિકમાં 86 ટકા હતો.
આ ગાળામાં કંપનીએ કાચા સ્ટીલનું ઉત્પાદન 40.8 કરોડ ટન કર્યું હતું જે ત્રિમાસિક ધોરણે છ ટકા અને વાર્ષિક ધોરણે બે ટકા વધુ છે.
પ્રવક્તાએ કહ્યું કે સ્થાનિક માગને પહોંચી વળવા માટે નિકાસમાં કાપ મૂક્યો હતો. આ ગાળામાં માલ ભરાવો 0.47 લાખ ટન ઘટયો હતો.
વ્યાજ, વેરા, ઘસારા અને એમોર્ટાઇઝેશન પહેલાની આવક 142.6 ટકા વધીને રૂા. 5946 કરોડની થઈ છે અને નફા ગાળો 1363 બેસિસ પૉઇન્ટ્સ વધીને 27.2 ટકા થયો છે. આ ગાળામાં કંપનીનું કુલ દેવું રૂા. 1099 કરોડ ઘટયું છે.
પ્રવક્તાએ કહ્યું કે, વાર્ષિક 150 લાખ ટનના વેચાણપાત્ર સ્ટીલના ઉત્પાદનના લક્ષ્યાંકને આંબવાની નજીક છીએ, જોકે, કાચા લોખંડની પ્રાપ્તિમાં અડચણ હોવાથી કાચા સ્ટીલના ઉત્પાદનનું લક્ષ્યાંક 95 ટકા સુધી પહોંચી શકાશે.
ડિસેમ્બર ત્રિમાસિકમાં જેએસડબ્લ્યુ સ્ટીલનો શૅર 40 ટકા વધ્યો હતો.
જેએસડબ્લ્યુ સ્ટીલનો ડિસેમ્બર 20 ત્રિમાસિક નફો 12.70 ગણો વધીને રૂા. 2681 કરોડ
