ફેડના નિવેદન પૂર્વે સોના-ચાંદી તૂટ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી  
રાજકોટ, તા. 27 જાન્યુ. 
ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક બુધવારે પૂર્ણ થવાની હતી. ફેડના નાણા વિષયક નિવેદન પૂર્વે સોનાના ભાવમાં ઢીલાશ હતી. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1843 ડોલર પ્રતિ ઔંસ રનીંગ હતો. અમેરિકા હવે ઉદ્દીપક પેકેજ ક્યારે જાહેર કરશે તેનો સંકેત પણ ફેડના નિવેદન પરથી મળી શકે તેમ છે.  જાણકારો કહે છે, ફેડ દ્વારા નાણા નીતિમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નથી. આર્થિક વિકાસ અંગે કોઇ વાતચીત કરે તો તે મહત્વની રહેશે. અમેરિકી સેનેટમાં ડેમોક્રેટસ 1.9 ટ્રીલીયન ડોલરનું આર્થિક પેકેજ પસાર કરાવવા મક્કમ છે. રિપબ્લિકનનો એમાં ટેકો નથી પણ જરુર પડે તો જ હવે ટેકો લેવાશે તેમ ડેમોક્રેટસના સેનેટ લીડર ચન્ક સ્ક્યુમરે જણાવ્યું હતુ. રાષ્ટ્રપતિ બિડેનના શાસન દ્વારા 20 કરોડ જેટલી વધારાની કોરોના વેક્સિનની ખરીદી કવામાં આવશે અને અન્ય રાજ્યોમાં પણ પહોંચાડવામાં આવનાર છે એમ સરકારી સાધનોએ કહ્યું હતુ. 
મંગળવારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વૈશ્વિક આર્થિક વિકાસ 2021માં ધીમો રહેવાનીઆગાહી કરી છે.  તરફ અમેરિકામાં જાન્યુઆરી મહિના દરમિયાન કન્ઝ્યુમર કોન્ફિડન્સ વધ્યો છે. કોવિડ છતાં પણ લેબર માર્કેટમાં ધીમો સુધારો દેખાયો છે.  
બીજી તરફ ચીનમાં સોનાની આયાત હોંગકોંગ મારફતે થાય છે તે ડિસેમ્બરમાં સતત બીજા મહિને વધી છે. જોકે આખા 2020ની કુલ આયાત 85 ટકા ઘટી ગઇ છે. કોરોના વાઇરસને લીધે વપરાશમાં ઘણો ઘટાડો થયો છે. વિશ્વના સૌથી મોટાં એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો મંગળવારે 0.1 ટકો ઘટી ગઇ છે.  
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રુ. 320ના ઘટાડે રુ. 50750 અને મુંબઇમાં રુ. 441 તૂટીને રુ. 48975 હતો. ન્યૂયોર્કમાં ચાંદી 25.10 ડોલર રનીંગ હતી. રાજકોટમાં એક કિલોનો ભાવ રુ. 1150ના ઘટાડામાં રુ. 66300 અને મુંબઇમાં રુ. 953 તૂટીને રુ. 65750 હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer