નાના એકમોને નીચા વ્યાજ દરે ધિરાણ આવશ્યક

એમએસએમઈને જમીન લીઝ ઉપર આપવા ફેડરેશન અૉફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની માગ 
  પરાશર દવે 
અમદાવાદ, તા. 27 જાન્યુ. 
છેલ્લા આઠથી નવ મહિના સુધી મૃત્તપ્રાય રહેલા ઉદ્યોગોને હવે કેન્દ્રીય બજેટમાં મોટી છૂટછાટો જાહેર થવાનો આશાવાદ બંધાયો છે. તેમ છતાં ફેડરેશન અૉફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝે કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની અપેક્ષાઓ રજૂ કરી છે, જેનો સમાવેશ કરવામાં આવે તો ઉદ્યોગો માટે આગળનો રાહ સરળ સાબિત થાય તેમ છે.  ફેડરેશને નવા વિસ્તરણ પ્રોજેક્ટો માટે વ્યાજના દર નીચા રાખવામાં આવે તો મોટી મદદ મળી શકે એમ હોવાનું સરકારને કહ્યું છે. 
  છેલ્લા આઠથી નવ મહિના દરમિયાન દરેક ઉદ્યોગો માટે અસ્તિત્વ જાળવવાનું મુશ્કેલ બની ગયું હતું. એટલું જ નહી સરકારની માર્ગદર્શિકા અનુસાર પરપ્રાંતીય મજૂરોને સાચવવા અને વેતન આપવા અનેક ઉદ્યોગકારોએ લોન લઇને પણ પોતાની જવાબદારીઓ અદા કરી હતી. આમ સરકારને કોવિડ-19 દરમિયાન ઉદ્યોગો તરફથી મોટી સહાય પ્રાપ્ત થઇ હતી ત્યારે હવે સરકારે પણ ઉદ્યોગોની અપેક્ષા પૂરી કરવા માટે મહત્તમ પ્રયાસો કરવા જોઇએ તેવી લાગણી વ્યક્ત થઈ છે.  
ફેડરેશન અૉફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધંકેશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ખાસ કરીને વિકસિત દેશોની તુલનામાં અમારો ધિરાણ ખર્ચ ઘણ ઊંચો ગયો છે. ચીન સાથે સ્પર્ધા કરવામાં ખર્ચ ઘણુ ઊંચુ છે. હાલમાં અમે 8 ટકાની આસપાસ ધિરાણ મળે છે તે 4થી 5 ટકા હોવું જોઇએ. આમ જ્યારે નિકાસની વાત આવે ત્યારે ત્યાંની કંપનીઓને નિકાસ સબસિડી મળે છે, ધિરાણ ખર્ચ નીચું હોય, આમ તેઓ વધુ જોખમ લઈ શકે છે અને તેથી તે કંપનીઓનું કદ આપણા કરતા ઘણું વધુ હોય છે.  માર્જિન મની પણ ઓછા હોવા જોઇએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર જેમ ગુજરાતમાં આવતી નવી કંપનીઓને લિઝ પર જમીન આપે છે તેમ એમએસએમઇને પણ આવી જમીન લિઝ પર આપવી જોઇએ. કારણ કે અમારું મોટા ભાગનું રોકાણ ભંડોળ ફિક્સ્ડ એસેટ્સ જેમ કે જમીનમાં જતું રહે છે. તેથી મશિનરી અને ડાઇઝમાં ખર્ચ કાપની નીતિ અપનાવવી પડે છે. આમ જો એમએસએમઇને પણ 30 વર્ષના ભાડા પટ્ટે જમીન આપવામાં આવે તો સ્પર્ધાત્મક નિર્ણય ગણી શકાશે. 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં અમે લોન લઇએ તો તેમાં ડોક્યુમેન્ટ, મોર્ગેજ ચાર્જિસ લગાવે છે જેનં ખર્ચ પણ ઘણુ ઊંચુ જાય છે. ઉપરાંત જો વિદેશી હૂંડીયામણ દેશમાં આવતું હોય તો નિકાસકર્તા એકમોને નિકાસ સબસિડી પણ આપવી જોઇએ તેનાથી નિકાસમાં વેગ મળશે અને એકમોની સ્થિતિ સુધરશે. પરિણામે પ્રોડકટ ખર્ચ પણ નીચું આવી શકે છે. 
જો સરકાર દ્વારા કોર્પોરેટ કર ઘટાડવામાં આવે તો લોકો બે નંબરમાં કામ કરશે નહી. તેનાથી રોકડ પ્રવાહ જળવાશે. હાલમાં ડિવિડન્ડ ટૅક્સ રૂા. 10 લાખ સુધીનો બાદ છે પરંતુ તેમાં લોકો અનેક લોકો એડજસ્ટમેન્ટ કરીને ટૅક્સના પૈસા અલગ રાખે છે. તેમાં બેવડા કરવેરાની સ્થિતિ સર્જાય છે. જેમ કે એકમ તરીકે તો કર ભરવો જ પડે છે તો બીજી બાજુ પ્રમોટર તરીકે પણ કર ભરવાનો થાય છે આમ આ કર નાબૂદ કરવો જોઇએ. 
 એનસીએલટીના નિયમો લૉકડાઉન પૂર્વે હતા તેવા કરવા જોઇએ, જેમાં એક લાખથી ઉપર પૈસા બાકી હોય તે એનસીએલટી દ્વારા નોટિસ આપી શકતા હતા. પરંતુ તે મર્યાદા હવે વધારીને રૂા. 1 કરોડથી ઉપર લઇ જવામાં આવી છે. તેનાથી નાના એકમોને ભારે ભોગવવું પડે છે. સરકાર અંદાજપત્રમાં અમારી માગણી સાંભળે તો ઉદ્યોગોમાં ચેતન રેડાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer