જામનગરમાં ગલગોટાની ખેતીથી મબલક કમાણી

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 27  જાન્યુ. 
હવે એ તો સાબિત થઇ ગયું છે કે પરંપરાગત ખેતી કરતા અલગ જ ખેતી કરવામાં આવે તો  મેળવી શકાય છે, આવું જ ઉદાહરણ જામનગર પંથકના ખેડૂતે પૂરું પડ્યું છે જેના કારણે તેઓ સમૃદ્ધ બન્યા છે.  
જામનગરના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના પ્રગતિશીલ ખેડૂત ચતુરભાઈ બીજા કિસાનો માટે ઉદાહરણ બન્યા છે. ચતુરભાઈએ પોતાની 11એકર જમીનમાં ગલગોટા, ટેટી અને તરબૂચ જેવા બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે.સામાન્ય રીતે જામનગરના ખેડૂતો પરંપરાગત પાકો માંડવી, કપાસ વગેરે જેવા પાકોનું વાવેતર કરતા હોય છે ત્યારે ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના ચતુરભાઈ ખેતીમાં નવા બાગાયતી પાકો ખાસ કરીને ફૂલની ખેતી કરીને નવો ચીલો ચાતરી રહ્યા છે.   
ચતુરભાઈએ  8 એકર વિસ્તારમાં ગલગોટા(મેરીગોલ્ડ)ની ચાર જાતિઓ અપ્સરા યલો, ટેનીસ બોલ પ્લસ, અશ્વગંધા પ્લસ અને ટોલ ગોલ્ડ નામક  જાતિઓનું વૈજ્ઞાનિક ઢબે વાવેતરની સાથે અન્ય 3 એકર વિસ્તારમાં ટેટી અને તરબુચની ખેતી ઋતુ અનુસાર વાવેતર કર્યું છે.  તેમનું માનવું છે કે ખેતીમાં નવા પાકોથી ખેડૂતો પોતાની લાગત સામે અનેકગણું વળતર મેળવી શકે છે પરંતુ સામાન્ય રીતે ખેડૂતો માંડવી,કપાસ,ચણા જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હોય છે એક જ પ્રકારના પાકનું વધુ પ્રમાણ હોવાથી તેમાંથી પૂરતું વળતર મેળવી શકાતું નથી. હાલ તેઓએ ગલગોટા, ટેટી અને તરબૂચનું વાવેતર કરી બારેમાસ આવક મેળવે છે તેવું ચતુરભાઈ જણાવે છે.  
ગલગોટામાં પણ વૈજ્ઞાનિક રીતે વિકસિત કરેલા  છોડની જાતનો ઉપયોગ કર્યો છે જેનાથી તેમને સતત આવક ચાલુ રહે છે. જ્યારથી ગલગોટાનું વાવેતર ચતુરભાઈએ ચાલુ કર્યું છે ત્યારથી આજ સુધી ક્યારેય તેમના  ખિસ્સા ખાલી રહ્યા નથી, આ નવા પાકોએ ચતુરભાઈને સતત સમૃદ્ધ બનાવ્યો છે.
હાલ ટેટીના પાકમાં તેઓ  ગ્રો-કવર નો પ્રયોગ કરી રહ્યો છે.  તેઓ  ગલગોટાના પાકને  રોજ રાજકોટ ખાતે બજારમાં વેચે છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જાય છે જે થકી તેઓ વચેટિયા વગર જ પાકનું સારું વળતર મેળવે છે.  
 વળી ચતુરભાઈ ભીમાણીના દીકરી કે જેઓએ કૃષિમાં માસ્ટર ડિગ્રી મેળવેલ છે અને હાલમાં તેઓ કૃષિના વિષય પર જ પીએચ.ડી સંશોધન કાર્ય પણ કરી રહયા છે તેવા એ નવી કૃષિ જાતો અને આધુનિક ખેતી વિશે જણાવ્યું હતું કે, હવે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે વિકસાવેલી નવી જાતોનો ઉપયોગ કરે તે ખૂબ આવશ્યક છે, સામાન્ય રીતે હજુ પણ આપણો ખેડૂત વરસાદ પર આધારિત રહે છે ત્યારે પાકને પિયત માટે ટપક પધ્ધતિનો ઉપયોગ, ભેજ જાળવવા ગ્રો-કવર, મલ્ચીંગ જેવા સાધનોનો પ્રયોગ ખેડૂતોને ખૂબ લાભદાયી છે.  
તેમની દીકરી કહે છે કે છેલ્લા પાંચ વર્ષથી અમે ગલગોટાની ખેતી કરી રહ્યા છીએ, જેના થકી ક્યારેય પાછું વળીને જોવાનો સમય આવ્યો નથી ત્યારે અન્ય ખેડૂતો પણ મલ્ચીંગ, ગ્રો-કવર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને ખેતીમાંથી વધુ સારું વળતર મેળવી શકે છે સાથે જ નવા પાકનું વાવેતર કરી માર્કેટમાં પોતાના ઉત્પાદનનું સારું વળતર મેળવી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer