વિશેષ પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 27 જાન્યુ.
ભારતીય મકાઇની નિકાસની ઉજળી સંભાવનાઓ તેમજ અત્યંત નબળા ભાવને પગલે આવક ઘટી હોવાથી હવે મકાઇના ભાવ આગામી દિવસોમાં વધવાની સંભાવના છે. અલબત્ત દેશના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લુના સંક્રમણના સમાચાર આવી રહ્યા છે પરંતુ હાલના ભાવ આ કારણને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે.
વેપારીઓનું કહેવુ છે કે તેલંગાણાની નિઝામાબાદ મંડીમાં મકાઇના ભાવ 1425-1440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આ ભાવ માર્ચ કે એપ્રિલની શરૂઆત સુધી 1550-1600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચી શકે છે.
મકાઇની માંગ હાલના સમયે ધીમી જરૂર છે, પરંતુ ખેડૂતોએ ભાવની નબળાઇ જોઇને આવક ઘટાડી દીધી છે. અલબત્ત એપ્રિલ મહિનાથી રવી મકાઇની આવક મંડીમાં શરૂ થઇ જશે જે તેના ભાવ ઉપર ફરીથી દબાણ બનાવી શકે છે. રવી સિઝનમાં બિહાર મકાઇનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. રાજ્યમાં વિન્ટર સિઝનમાં મકાઇનું ઉત્પાદન લગભગ 35 લાખ ટન રહ્યું છે. નિકાસકારોનું કહેવુ છે કે ભારતમાંથી બાંગ્લાદેશને લગભગ બે લાખ ટન મકાઇની નિકાસ થવાની સંભાવના છે. જે ઉપરાંત વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડની પણ ભારતીય મકાઇમાં પુછપરચ આવવાની પ્રબળ સંભાવના છે. મધ્યપૂર્વના દેશો પણ ભારતીય મકાઇમાં રસ દર્શાવી રહ્યા છે.
50-60 લાખ ટન મકાઇ નવી સિઝનમાં કેરી ફોરવર્ડ રહેવાની ધારણા છે તેમજ આ સ્ટોક તેના ભાવ પર દબાણ લાવનાર સૌથી મોટું કારણ રહ્યું, પરંતુ નિકાસની ઉજળી સંભાવનાથી આ દબાણ ઘટ્યું છે.