વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 જાન્યુ.
વૈશ્વિક શૅરબજારોમાં તણાવના માહોલ અને બજેટ પહેલાં નફો બુક કરવાના માનસના પગલે આજે શૅરબજારોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. મિશ્ર કંપની પરિણામો, બજેટમાં નવા વેરા આવવાની આશંકા અને એફઆઇઆઇ દ્વારા વેચવાલીનાં કારણો પણ સેન્સેક્ષ અને નિફ્ટીમાં મોટા ઘટાડા માટે આજે નિમિત્ત બન્યા હતા. આજની વેચવાલીમાં માર્કેટ કૅપમાં 2.6 લાખ કરોડનું ધોવાણ થયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ખાનગી બૅન્કિંગ શૅર્સ અને અમુક આઇટી શૅર્સમાં જબરદસ્ત વેચવાલી સાથે પ્રોફિટ બુકિંગ થવાના કારણે સેન્સેક્ષ આજે ઇન્ટ્રાડેમાં એક હજાર પૉઇન્ટ્સનો કડાકો થયો હતો અને ચોમેર વેચવાલીનો માહોલ જોવા મળ્યે હતો. રોકાણકારોએ સતત ચોથા સત્રમાં વેચવાલી ચાલુ રાખી હતી. તેમ આવતી કાલે જાન્યુઆરી સિરીઝની એક્સપાઇરી છે. સેન્સેક્ષ 938 પૉઇન્ટ્સ ઘટી 47,410 પૉઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 14,000ના સ્તરને ગુમાવ્યું હતું અને 271 પૉઇન્ટ્સ ઘટી 13,967.50ના સ્તરે બંધ આવ્યા હતા. સેક્ટર મુજબ, નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ વધ્યો હતો, જ્યારે બાકીના તમામ સેક્ટર ઘટાડે બંધ થયા હતા. બીએસઇ સ્મોલ કૅપ 0.52 ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ 1.38 ટકા ઘટયા હતા. આજે સવારે એશિયન શૅરબજારો મિશ્ર બંધ આવ્યાં હતાં. જપાનનો નિક્કી 0.31 ટકા વધીને જ્યારે હેંગસેંગ 0.32 ટકા અને સાઉથ કોરિયાનો કોસ્પી 0.57 ટકા ઘટીને બંધ થયા હતા. બપોરે યુરોપનાં બજારો ઘટાડા સાથે શરૂ થયાં હતાં.