યાંત્રિક કૃષિ માટે પ્રોત્સાહન આપવા રૂપાલાનો અનુરોધ

અનિલ પાઠક
અમદાવાદ, તા. 27 જાન્યુ.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના કપાસ પકવતા ખેડૂતો માટે યાંત્રિક રીતે કપાસના પ્લાન્ટિંગ અને વીણીને વીણવા માટેનું મશીન રાજકોટની શક્તિમાન અને રાશી સીડ્ઝના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરવામાં આવ્યું છે જેનું ડેમોન્સ્ટ્રેશન કેન્દ્રીય કૃષિ પ્રધાન પરસોત્તમભાઈ રૂપાલા  દ્વારા બોટાદ જિલ્લાના રાણપુર ખાતે સાવધરિયા ફાર્મ ખાતે યોજાયું. 
કૃષિ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના બે વર્ષના પ્રયાસો બાદ કપાસની યાંત્રિક ખેતી માટેનો આ પ્રયોગ સફળ થયો છે તેવું રૂપાલાએ રાણપુર ખાતે યોજાયેલા નિર્દેશન બાદ જણાવ્યું હતું.
તેઓના જણાવ્યા અનુસાર આ નવી ઈનોવેટીવ પૉલિસી પ્રમાણે તૈયાર થયેલ પદ્ધતિ દેશભરમાં કપાસના વાવેતર અને લણણી માટે પ્રથમવાર વિકસીત કરાઈ છે અને ખેડૂતો તેને અપનાવશે તો કપાસનું ઉત્પાદન વધશે અને વર્ષમાં બે વાર ખેતીના પાકો લઈ શકાશે.
રાણપુર અને જિલ્લામાં આવેલા ખેડૂતોએ નવી યાંત્રિક ખેતીના ઉપકરણ અંગે જાણકારી મેળવી હતી અને રાજકોટની કંપની આવા મશીન ભાડેથી આપશે તો આગામી દિવસોમાં કોન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે પણ આ મશીન વધુ ઉપયોગી થશે. જેમના ફાર્મમાં આ પ્રયોગ હાથ ધરાયો હતો. તે ઘનશ્યામભાઈ સાવધરિયાએ જણાવ્યું હતું કે, જ્યારે ખેતી વ્યવસાયમાં મજૂરોની અછત થઈ રહી ત્યારે આવી યાંત્રિક ખેતી પદ્ધતિ ખેડૂતોને ખૂબ સહાયરૂપ થશે. રાજયના કૃષિ વિભાગના અધિકારીઓને પણ આ નિર્દેશનમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું. તેઓએ પણ આવી યાંત્રિક પદ્ધતિનો ગુજરાતમાં કપાસ ઉગવતા ખેડૂતો અપનાવે તેવી નીતિ ઘડવાનું કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કપાસનું ઉત્પાદન ખૂબ વધી રહ્યું છે ત્યારે આ હાઈડેન્સીટી પ્લાન્ટિંગ સિસ્ટમ (એચડીપીસી) અપનાવવામાં આવશે તો કપાસનું ઉત્પાદન વધશે તે નિશ્ચિત છે તેવું કૃષિ નિષ્ણાતોનું
માનવું છે. 
આ યાંત્રિક પદ્ધતિની ખેતી બંને સિઝન ખરીફ અને રવીમાં ઉપયોગમાં લઈ શકાય છે કારણ કે યાંત્રિક રીતે સીડીંગ કરાય છે અને સિંચાઇના વિસ્તારોમાં જરૂરી પાણી અને અન્ય ઈનપુટ મળી રહેતાં કપાસની વીણી ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને તેની લણણી પણ જલદી થઈ જાય છે અને ત્યારબાદ બીજા પાક માટે પણ મશીનનો ઉપયોગ થઈ શકે તેમ છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઉચ્ચકક્ષાનો કપાસ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લાઓમાં થાય છે. અહીંના લૉન્ગ સ્ટેપલ કપાસની ખૂબ માગ છે અને તેની નિકાસ પણ દિનપ્રતિદિન વધે છે તેવું ખેડૂતોનું કહેવું છે ત્યારે આવી યાંત્રિક ખેતી કપાસ ઉત્પાદન માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer