ભારતીય અર્થતંત્રની 11.5 ટકાની દરે વૃદ્ધિ થશે : આઈએમએફ

પીટીઆઇ
નવી દિલ્હી, તા. 27 જાન્યુ.
ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડ (આઇએમએફ)એ વર્ષ 2021માં ભારતના જીડીપીનો વૃદ્ધિદર 11.5 ટકા રહેવાની આગાહી કરી છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે આ વર્ષે ભારત એકમાત્ર એવો દેશ બનશે જેના જીડીપીનો વૃદ્ધિદર દ્વીઅંકી થશે.  વૈશ્વિક અર્થતંત્રના ભાવિ વિશે આઇએમએફ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં ભારતમાં અર્થતંત્ર વિશ્વના તમામ દેશોની તુલનાએ સૌથી વધુ ઝડપે વધવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. 
આઇએમએફના આ અહેવાલમાં વર્ષ 2020માં દેશમાં વિકાસદરમાં આઠ ટકાનો ઘટાડો થયો હોવાનું તારણ રજૂ કર્યું છે. ભારત પછીના ક્રમે ચીનનો આર્થિક વિકાસદર 8.1 ટકાના દરે વધવાની આગાહી આઇએમએફએ કરી છે. તે પછી સ્પેન 5.9 ટકા, ફ્રાન્સ 5.5 ટકાના વિકાસદર સાથે ક્રમમાં મૂકવામાં આવ્યા છે. 
કોરોનાનું કેન્દ્ર બિંદુ ધરાવતાં ચીન એ એકમાત્ર દેશ છે જેનો વર્ષ 2020 દરમિયાન વિકાસ દર 2.3 ટકા રહેવાની આગાહી આઇએમએફ દ્વારા કરવામાં આવી છે. જોકે, વર્ષ 2022માં ભારતનો જીડીપીનો વિકાસ દર 6.8 ટકા અને ચીનનો 5.6 ટકા રહેવાની આગાહી કરવામાં આવી છે. આ તાજા અંદાજ મુજબ ભારત વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ સાધનારો દેશ બનશે. 
આઇએમએફના એમડી ક્રિસ્ટીના જ્યોર્જિવાએ આ માસની શરૂઆતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી સમયે ભારતે કેટલાક નિર્ણાયક નિર્ણયો લીધા હતા અને તે સાથે તેની આર્થિક ક્ષેત્રે થનારી અસરનો સામનો કઇ રીતે કરવો તે માટે પણ નક્કર પગલાં લીધાં હતાં.  લૉકડાઉન દરમિયાન લક્ષ્ય આધારિત અંકુશો અને રાહતનાં વિવિધ પગલાં લેવામાં આવતાં તેના સકારાત્મક પરિણામો અર્થતંત્ર ઉપર જોવા મળ્યાં હતાં. વિકસતાં બજારોમાં અર્થતંત્રનો વિકાસદર સરેરાશ 6 ટકા રાખવામાં આવ્યો છે અને તેનાથી ભારતનો વૃદ્ધિદર સહેજ ઉપર છે અને હજી તેમાં વૃદ્ધિને અવકાશ હોવાનું તેમણે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer