વડોદરામાં ફાર્માના 150 જેટલા એકમોને ઉત્પાદન પડતર વધી જતાં મુશ્કેલી
ચીનથી આવતો કાચો માલ મોંઘો થઇ જતાં
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા.27 જાન્યુ.
ભારત ચીન સાથેના ચાલી રહેલા તનાવને લીધે દવાઓના ભાવ વધી જાય તેવી શક્યતા છે. દવાઓ બનાવવા માટે ચીનથી આયાત થતા કાચા માલના ભાવમાં જંગી વધારો થયો છે એ કારણે વડોદરાનો દવા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ઉદ્યોગને અસ્તિત્વ ટકાવવા માટે ભાવ પણ વધારવા પડે તેમ છે. કાચા માલ માટે આગામી વર્ષોમાં આત્મ નિર્ભર બનવું પડશે અથવા તો બીજા વિકલ્પ તરફ નજર દોડાવવી પડશે, એમ ફાર્મા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે.
વડોદરામાં લગભગ 100થી 150 ફાર્મા યુનિટ આવેલા છે. વડોદરાના દવા ઉદ્યોગો જે પ્રોડકશન કરે છે. તેમાંથી લગભગ 50થી 60 ટકા દુનિયાના 40 જેટલા દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
કાચા માલ માટે વડોદરાના દવા ઉદ્યોગો પણ મુખ્યત્વે ચીન પર જ નિર્ભર છે. કાચો માલ એપીઆઈ(એક્ટિવ ફાર્મસ્યુટિકલ ઈન્ગ્રેટિન્સ ) તરીકે પણ ઓળખાય છે, જેમાંથી વડોદરામાં અલગ અલગ 50 થી 60 કેટેગરી હેઠળ આવતી દવાઓ બને છે. છેલ્લા મહિનામાં ચીન દ્વારા મોકલાતા કાચા માલના ભાવમાં 25 ટકાથી 50 ટકા સુધીનો વધારો થયો છે, જેના કારણે ફાર્મા ઉદ્યોગની મુશ્કેલીઓ વધી છે.
અગાઉ બનેલી દવાનો સ્ટોક હાલમાં બજારમાં ઉપલબ્ધ છે પણ માર્ચ મહિના પછી કાચા માલના ભાવની અસર દેખાશે અને દવાના ભાવમાં લગભગ તેની 10થી 15 ટકાનો વધારો થાય તેવી શકયતાઓ છે. નિકાસથી પણ દવાઓના ભાવમાં પણ 15 થી 20 ટકાનો વધારો થશે.
ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચરિંગ ઍસોસિયેશનના ગુજરાત ચેપ્ટરના જનરલ સેક્રેટરી ધારા પટેલે જણાવ્યું હતું કે, દવા બે પ્રકારની હોય છે. એક ગર્વમેન્ટ કંટ્રોલ ધરાવતી અને બીજી કંટ્રોલ વગરની દવા. કાચા માલના ભાવવધારાથી સરકારે હવે ભાવવધારો કરી આપવો જોઇએ. જો ભાવમાં વધારો નહીં કરે તો ઉત્પાદન બંધ કરવાની નોબત આવશે. ભારત સરકારનાં ડ્રગ્સ વિભાગે જે દવાઓ ઉપર ભાવ કન્ટ્રોલ મુકેલો છે. તેના કાચા માલ મોંઘા થતા મુશ્કેલી પડી રહી છે. કેન્દ્ર સરકાર જો આ ઉદ્યોગને બચાવવા માટે પ્રયત્નો નહિ કરે તો દેશની આર્થિક પરિસ્થિતિને ઘણી જ ખરાબ થશે. ફાર્મા ઉદ્યોગ જો બંધ થાય તો બેરોજગારી દવા મોઘી થશે.
આ સમય છે ફાર્મા ઉદ્યોગને સરકારે મદદરૂપ થવાનો જેથી ઉદ્યોગમાં અૉકિસજન પૂરાવાનું કામ થશે. તેથી ઉત્પાદન વધારાને પણ પ્રોત્સાહન આપવું જોઈએ જેથી દવાઓની નિકાશ કરી મહામુલુ હુંડિયામણ મેળવી શકાય.જથ્થાબંધ દવાના ધંધા સાથે સંકળાયેલા એક વેપારીએ જણાવ્યું હતું કે, પેરાસિટામોલ ,એઝિથ્રોમાઈસિન અને ડોકિસસાયકિલનના ડબલ ભાવ થઈ ગયા છે. વેપારીઓ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ભારત ચીન વચ્ચેના તનાવની અસર હોય કે પછી ચીનમાં કાચા માલનું ઉત્પાદન કરતી કેટલીક ફેકટરીઓ બંધ થઈ હોય કારણ જે પણ હોય ભારતમાં ચીનથી આવતા કાચા માલના પ્રમાણમાં ઘણો ઘટાડો થઇ ગયો છે.
ઔષધના ભાવ 15 ટકા સુધી વધવાની સંભાવના
