આ વર્ષે 60 લાખ ટનની નિકાસનું લક્ષ્યાંક
ડી. કે.
મુંબઈ, તા. 27 જાન્યુ.
વૈશ્વિક બજારમાં પોતાના ચોખાની ઘટતી નિકાસના ગ્રાફને ફરી ઉપર લાવવા અને ભારત સાથે સ્પર્ધા કરવા થાઇલેન્ડે હવે ચોખાની નિકાસ માટેનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત થાઇલેન્ડના વિવિધ જાતના ચોખાની નિકાસ માટેનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.
વર્ષ 2020માં થાઇલેન્ડે 57.20 લાખ ટન ચોખાની નિકાસ કરી હતી. થાઇલેન્ડનાં કોમર્સ મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા ફોરેન ટ્રેડ ડિપાટર્ટમેન્ટનાં ડાયરેક્ટર જનરલ કિરાતી રુચાનોએ જણાવ્યું હતું કે આગામી વર્ષે થાઇલેન્ડ 60 લાખ ટન ચોખાની નિકાસ કરશે. જેમાં સફેદ ચોખા 20 લાખ ટન, થાઇ હોમ માલી ચોખા 15 લાખ ટન, પેરા બોઇલ્ડ ચોખા 15 લાખ ટન તથા બાકીના 10 લાખ ટન માં પથુમ થાની સુગંધી તથા પ્રાંતિય સુગંધી ચોખા જેવી વિવધ જાતોનો સમાવેશ થાય છે. યાદ રહે કે થાઇ કરન્સી બાથની કિંમતનું અવમુલ્યન, ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા, વૈશ્વિક બજારમા ચોખાનાં સપર્ધાત્મક ભાવ તથા બાકી હોય તો કોવિડ-19 ના કારણે ઘટેલી ડિમાન્ડનાં કારણસર છેલ્લા બે-ત્રણ વર્ષમાં થાઇલેન્ડની ચોખાની નિકાસ ઘટી છે. વર્ષ 2017 માં જે ચોખાની નિકાસ 116.70 લાખ ટનની હતી જે 2018 માં 110.80 લાખ ટન, ચોખાની નિકાસ થઇ હતી. જ્યારે વર્ષ 2019 અને 2020 માં અનુક્રમે નિકાસ ઘટીને અનુક્રમે 75.80 લાખ ટન તથા 57.20 લાખ ટન રહી હતી.જોકે આ તમામ પડકારો છતાં હવે થાઇલેન્ડ ફરી વૈશ્વિક બજારમાં ચોખાની નિકાસનો મોટો હિસ્સો કબ્જે કરવા માંગે છે.
બીજીતરફ ભારત વૈશ્વિક બજારમાં ચોખાની નિકાસમાં હાલમાં ટોચ ઉપર છે.2020-21 ના માર્કાટિંગ વર્ષમાં એટલે કે સપ્ટેમ્બર-21 નાં અંતે ભારતીય ચોખાની નિકાસ 135 લાખ ટને પહોંચવાની ધારણા છે. આમ તો છેલ્લા થોડા સમયથી ભારતીય રૂપિયાની કિંમત સુધરી રહી છે. તેથી દુબઇ, યુનાઇટેડ આરબ અમિરાત, યમન તથા ઇરાક જેવા ગલ્ફ દેશોમાં ભારતીય ચોખાની વિશેષ માગ રહે છે. કોરોનાની મહામારીના કારણે ઘણા અખાતી દેશોને તેમના દેશમાં ચોખાનો બફર સ્ટોક વધારવાની ફરજ પડી છે. જે ભારતના ફાયદામાં છે. વર્ષ 2017 માં ભારતના ચોખાની નિકાસ ઘટી હતી. ત્યારબાદ 2018 તથા 2019 અને 2020 માં સતત ત્રણ વર્ષ ભારતની ચોખાની નિકાસમાં વદારો જોવા મળ્યો છે. જ્યારે આ સમયગાળામાં થાઇલેન્ડની ચોખાની નિકાસ ઘટી હતી. ખાસ કરીને ભારતનામ પ્રિમીયમ બાસમતી ચોખાની નિકાસ વધતા ભારતીય વેપારીઓને વૈશ્વિક બજારમાં લાભ થયો હતો.
સામાપક્ષે દક્ષિણ આફ્રિકા, અમેરિકા, બેનિન, અંગોલા તથા ચીન જેવા દેશો થાઇલેન્ડ પાસેથી ચોખા ખરીદે છે.આ દેશોમાં માગ ઘટે તો થાઇલેન્ડને અન્ય બજારો તરફ નજર મામડવી પડે છે જ્યાં થાઇલેન્ડનાં નિકાસકારોને ભારતીય નિકાસકારોના સ્પર્ધાત્મક ભાવોનો સામનો કરવો પડે છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી-21 માં પ્રથમ 10 દિવસોમાં થાઇલેન્ડનાં વેપારીઓએ 68612 ટનના સોદા કર્યા હતા જે વર્ષ 2020 ના પ્રથમ 10 દિવસના કારોબારની તુલનાએ 23 ટકા ઓછા છે .તેથી એક વાત નક્કી છે કે હાલના સંજોગોમાં વૈશ્વિક બજારમાં ભારતનીસ્પર્ધા કરવામાં થાઇલેન્ડને ભાવમામ મોટો ઘટાડો કરવો પડશે.
થાઈલૅન્ડ ચોખાની નિકાસમાં ભારત સાથે સ્પર્ધા કરશે
