કોરોનાનો ઉત્પાત વધવાથી ક્રૂડતેલમાં વધુ નરમાઈ

કોરોનાનો ઉત્પાત વધવાથી ક્રૂડતેલમાં વધુ નરમાઈ
સિંગાપૉર, 27મી જાન્યુ.
કોરોનાનો ઉત્પાત વધવાથી તેલમાં વધુ નરમાઈ આવી છે. ચીન, હૉંગકૉંગ, બ્રિટન અને સંભવત: ફ્રાન્સમાં નવા કોરોના પ્રેરિત લૉકડાઉનને પગલે તેલની માગ ઘટવાના ભયથી તેલના ભાવ વધુ નરમ પડયા હતા.
બ્રેન્ટ માર્ચ વાયદો બુધવારે 56.02 ડૉલર અને ડબલ્યુઆઈટી માર્ચ વાયદો 52.71 ડૉલર બોલાતો હતો. લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિ અને બળતણના વપરાશમાં ઘટાડો થવાની સંભાવનાથી બજાર ઢીલી હતી એમ એએનઝેડના એનાલિસ્ટોએ કહ્યું હતું.
ચીનમાં બુધવારે નવા કોરોનાના કેસમાં વધારો નોંધતાં દુનિયામાં  તેલના સૌથી મોટા વપરાકાર અને તેલબજારના સ્થંભ જેવા દેશમાં માગના સંયોગો ધૂંધળા બન્યા હતા.
ગત સપ્તાહે અમેરિકાના અનામત તેલભંડારોમાં 12 લાખ બેરલની અપેક્ષાની સામે 44 લાખ બેરલનો ઘટાડો થયો હોવાનું એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને જાહેર કરતાં તેલના ભાવ વધુ દબાણમાં આવ્યા હતા.
અમેરિકામાં શેલ તેલ અને શેલ ગૅસ ઉત્પન્ન કરતી રિગની સંખ્યામાં 22 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સતત સપ્તાહે પણ વધારો થયો હતો; જોકે તેમ છતાં કાર્યરત રિગની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 52 ટકા ઓછી છે એમ બેકર હ્યુઝના આંકડા દર્શાવે છે.
દુનિયાના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશ સાઉદી અરેબિયાએ સ્વૈચ્છિક ઉત્પાદનકાપ જાહેર કરતાં કેટલાક સપ્તાહથી ભાવને ટેકો મળ્યો છે. પરંતુ રોકાણકારોની નજર અમેરિકા અને ઈરાન વચ્ચે અણસમજૂતી ફરીથી અમલમાં આણવા વિશે મંત્રણા શરૂ થાય છે કે કેમ તેના પર લાગેલી છે. નવી સમજૂતીને પગલે જો અમેરિકા ઈરાનના તેલની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લે તો બજારમાં પુરવઠો વધી શકે અને ભાવ પર દબાણ આવે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer