વિયેતનામથી આયાત થતાં કાપડ ઉપર 10 ટકા બેઝિક ઇમ્પોર્ટ ડયૂટી લગાવો

વિયેતનામથી આયાત થતાં કાપડ ઉપર 10 ટકા બેઝિક ઇમ્પોર્ટ ડયૂટી લગાવો
ફીઆસ્વીની વાર્ષિક સાધારણ સભામાં ઉદ્યોગકારોની માગ : ટેક્નિકલ ટેક્સ્ટાઇલને પ્રોત્સાહનની જરૂર  
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 27 જાન્યુ. 
ફેડરેશન અૉફ ઇન્ડિયન આર્ટ સિલ્ક ઍન્ડ વિવિંગ ઇન્ડસ્ટ્રીની અૉનલાઇન વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં ઉપસ્થિત ઉદ્યોગકારોએ વિયેતનામથી આયાત થતા કાપડ ઉપર 10 ટકા બેઝિક ઇમ્પોર્ટ ડયૂટી લાગુ કરી ઘરઆંગણાના કાપડઉદ્યોગને બચાવવાની માગ કરી હતી.  
ફીઆસ્વીના ચૅરમૅને ભરત ગાંધીએ ટાંક્યુ હતું કે, ટેક્નિકલ ટેક્સ્ટાઇલને સુરત તથા ભારતના ઉગતા ક્ષેત્ર તરીકે જોવાની જરૂર છે. હાલમાં ટેક્નિકલ ટેક્સ્ટાઇલ ક્ષેત્રનું દુનિયાનું બજાર 82 યુએસ બિલિયન ડૉલર છે, જેમાં ભારતનો હિસ્સો માત્ર 0.60 ટકા જેટલો છે. જેને વધારવા માટે સ્થાનિક અને લોકલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે.  
ટેક્નિકલ ટેક્સ્ટાઇલમાં ઘરઆંગણના કાપડઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માપંદડોથી સજ્જ કરવા માટે ચોક્કસ પગલાં લેવાની જરૂર છે. ખાસ કરીને એન્ટિ માઇક્રો, હૉસ્પિટલ ટેક્સ્ટાઇલ અને જિયો ટેક્સ્ટાઇલમાં વિશાળ તકો ઉપલબ્ધ છે ઉદ્યોગકારોએ તેને ઝડપી લેવાની જરૂર છે. વિયેતનામથી આવતા કાપડ પર બેઝિક 10 ટકા ઇમ્પોર્ટ ડયૂટી લગાવવામાં આવે, ટેક્સ્ટાઇલમાં મહત્ત્વના રો મટિરિયલ જેવા કે પૉલિસ્ટર ફિલામેન્ટ યાર્ન, નાયલોન ફિલામેન્ટ યાર્ન અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નને ભારતમાં વૈશ્વિક ભાવે મળવા જોઇએ અને તેના પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લગાવવી ન જોઇએ.  
ભરતભાઇએ ઉમેર્યું હતું કે, કાપડઉદ્યોગ ક્ષેત્રના એકમો માટે દરેક રાજ્યમાં અલગ-અલગ પાવર ટેરીફ પૉલિસી છે. તેના બદલે નેશનલ પાવર ટેરીફ પૉલિસી હોવી જોઇએ. વિવિંગ અને પ્રોસેસિંગ ક્ષેત્રે ઇમ્પોર્ટેડ મશીનીરી અને સ્પેરપાર્ટસ ઉપરની ડયૂટી ઘટાડવી જોઇએ. વિવિંગ અને પ્રોસેસિંગ ક્ષેત્રે ટેકનૉલૉજી અપગ્રેડેશન ફંડ હેઠળ 40 ટકા જેટલી કેપીટલ સબસિડી મળવી જોઇએ. આંતરરાષ્ટ્રીય બજારમાં ડિઝાઇન ઘણો મહત્ત્વનો રોલ ભજવે છે. કાપડ નિયાર્તકારોને ઇન્ટરનેશનલ ડિઝાઇન ટ્રેન્ડ વિશે માહિતી મળી રહે તે માટે કોમન ડિઝાઇન સેન્ટર ભારતમાં મુખ્ય પાવર લૂમ્સ કેન્દ્રો જેવા કે સુરત, સેલમ, ભીવંડી, બૅંગ્લોર, તિરૂપુર જેવા શહેરોમાં સ્થાપવવા જોઇએ.  
સભામાં યાર્નના ઊંચા ભાવો લઇને મોટાભાગના સભ્યોએ ફરિયાદ કરી હતી. લૉકડાઉન પછીના સમયગાળામાં યાર્ન ઉત્પાદકો દ્વારા 90 ટકાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે કાપડઉદ્યોગના સાહસિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે યાર્નનો ભાવવધારો સંકલન સાધીને નીચો લાવવાની રજૂઆત ટેક્સ્ટાઇલ અગ્રણી પુનિત ખીમસીયાએ કરી હતી.  
ફીઆસ્વીની સાધારણ સભામાં નવા ચૅરમૅન તરીકે ભરત ગાંધીને ચાલુ રાખવા અને પ્રમુખ પદે મગનભાઇ દોષીની નિમણૂક કરવામાં આવી હતી. રિજિયોનલ વાઇસ ચૅરમૅનપદે સ્મીતાબેનને ચાલુ રાખવાનો મત થયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer