ખેડૂત આંદોલનમાં ફાટફૂટની શરૂઆત

ખેડૂત આંદોલનમાં ફાટફૂટની શરૂઆત
બે સંગઠનો વિરોધ પ્રદર્શનથી અલગ થયા
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 27 જાન્યુ.
કૃષિ સુધારા કાયદાઓના વિરોધમાં દિલ્હીના પરિસરમાં બે મહિનાથી આંદોલન ચલાવી રહેલાં ખેડૂત સંગઠનોમાં ગઈકાલની હિંસાખોરીને પગલે ફાટફૂટ પડવાની શરૂઆત થઈ છે.
પ્રજાસત્તાક દિને દિલ્હીમાં નીકળેલી ટ્રેક્ટર રૅલી દરમિયાન થયેલી ભાંગફોડ અને હિંસાચાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને બે ખેડૂત સંગઠનોએ - રાષ્ટ્રીય કિસાન મઝદૂર સંગઠન અને ભારતીય કિસાન યુનિયને - આ આંદોલનથી અલગ થઈ જવાની જાહેરાત કરી છે.
`જે વ્યક્તિની દિશા જ અલગ હોય તેની સાથે અમે આંદોલન ચલાવી શકીએ નહીં. તેથી એ લોકોને મારી શુભેચ્છાઓ આપું છું, પરંતુ રાષ્ટ્રીય કિસાન મઝદૂર સંગઠન આ આંદોલનથી અત્યારથી જ અલગ થઈ જાય છે,' એમ સંગઠનના રાષ્ટ્રીય સંયોજક વી એમ સિંઘે જણાવ્યું હતું. સિંઘે મંગળવારના હિંસાચાર માટે ખેડૂત નેતા રાજેશ ટિકાયતને જવાબદાર ઠરાવ્યા હતા. દિલ્હી પોલીસે મંગળવારની ઘટનાઓ વિશે નોંધેલા એફઆઈઆરમાં યોગેન્દ્ર યાદવ, મેધા પાટકર અને અન્ય આગેવાનો ઉપરાંત રાકેશ ટિકાયતનું પણ નામ છે. `ગઈકાલે દિલ્હીમાં જે બન્યું તેનાથી હું અત્યંત વ્યથિત છું અને અમારું 58 દિવસનું વિરોધ આંદોલન પાછું ખેંચી લઉં છું,' એમ ભારતીય કિસાન યુનિયન (ભાનુ)ના પ્રમુખ ઠાકુર ભાનુ પ્રતાપ સિંઘે જણાવ્યું હતું.
રાકેશ ટિકાયતને તેમની સામે નોંધાયેલા એફઆઈઆર વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ ખેડૂત નેતા સામેનો એફઆઈઆર દેશભરના ખેડૂતો સામેનો એફઆઈઆર છે.
દરમિયાન આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં ઇન્ડિયન નેશનલ લોકદળના વિધાનસભ્ય અભય સિંઘ ચૌટાલાએ હરિયાણા વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું અને સ્વીકારાઈ ગયું છે. ચૌટાલા ટ્રેક્ટર હાંકીને હરિયાણા વિધાનસભા ભવન પહોંચ્યા હતા અને પોતાનું રાજીનામું સ્પીકરને સુપરત કર્યું હતું.
દિલ્હી પોલીસે ગઈકાલના હિંસાચાર બદલ બસો લોકોની અટકાયત કરી છે અને બાવીસ એફઆઈઆર નોંધ્યા છે.
આંદોલન ચલાવી રહેલાં 41 ખેડૂત સંગઠનોના સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે અભિનેતા દીપ સિધુ જેવા સમાજવિરોધી તત્ત્વોએ કાવતરાના ભાગરૂપે અમારા શાંતિપૂર્ણ આંદોલનમાં ભાંગફોડ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અમે સરકારને તેમ જ આ શાંતિપૂર્ણ આંદોલનના વિરોધીઓની ચાલને સફળ થવા દેવાના નથી.
મંગળવારે સેંકડો ખેડૂતોએ લાલ કિલ્લાને ઘેરો ઘાલીને સુરક્ષાકર્મીઓ સાથે ભારે અથડામણ બાદ લાલ કિલ્લાના બુરજ પર ખાલસા પંથનો ધ્વજ લહેરાવ્યો હતો. વહીવટી તંત્રે રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં ચાર સ્થળે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી અને સાંજે ટ્રેકટર રૅલીમાં જોડાયેલા ખેડૂતો પાછા ફરવા લાગ્યા ત્યાં સુધીમાં 86 પોલીસો અને દસ ખેડૂતો ઘાયલ થઈ ચૂક્યા હતા અને એક ખેડૂતનું મૃત્યુ થયું હતું. ખેડૂતો સાથેની અથડામણમાં ઘવાયેલા અનેક પોલીસોની હાલત ગંભીર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer