વડોદરા-છોટા ઉદેપુર જિલ્લામાં બે વન ઉગાડાયાં
અમારા પ્રતિનિધિ તરફથી વડોદરા. તા. 26 ફેબ્રુ. ઘરના વાડાની નાનકડી જગ્યામાં ઘનઘોર જંગલ ઉછેરવુ હોય તો જપાનનું મિયાવાકી એક ઉત્તમ મોડેલ તરીકે વિશ્વમાં સ્વીકૃત બની રહ્યુ છે. પાણીના ઓછામાં ઓછાં ઉપયોગથી ઓછી જગ્યામાં વધુ અને સઘન વૃક્ષ ઉછેર કરીને ગ્રામ પંચાયતો અને ખેડૂતો આવકનો ત્રોત ઉભો કી શકે છે. જમીનની ફળદ્રુપતા જાળવવાની સાથે પર્યાવરણને વધુ હરિયાળી બનાવી શકે છે એમ નાયબ વન સંરક્ષક કાર્તિક મહાજાએ જણાવ્યું હતુ. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વડોદરા,પાદરાના ભોજ ગામ અને છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામમાં જાપાન પધ્ધતિ અનુસરીને બે નમૂના રૂપ એટલે કે મોડેલ વન ઉછેરવામાં આવ્યા છે. આ પૈકી ભોજ ગામે 30 બાય 10 મીટરના વિસ્તારમાં 2 બાય 2 ના અંતરથી 831 રોપાની સઘન વનરાજી ઉછેરવામાં સફળતા મળી છે. મિયાવકી પધ્ધતિમાં ઓછી જમીનમા વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જેથી ખેડૂતને નિયમિત રીતે ટૂંકા અને લાંબા ગાળાની આવક અને ઉત્પાદન મળવાની સાથે આવકમાં વૃધ્ધિ થાય છે. કહેવાય છે કે 100 વર્ષની ઉંમર હોય એવુ પ્રગાઢ જંગલ આ પધ્ધતિથી માત્ર 10 વર્ષમાં ઉછેરી શકાય છે. આજે આ પધ્ધતિ હેઠળ ભારત સહિત વિશ્વમાં કેન્યા,ઓસ્ટ્રેલિયા, કોરિયા જાપાન અમેરિકા સહિત દેશોમાં નાના મોટા જંગલ ઉછેરવામાં આવી રહ્યા છે. રાજયમાં ગ્રામ વિકાસ વિભાગે પંચાયતો નરેગામાં જરૂરિયાતમંદોને રોજગારી આપી શકે અને ગમતુ પર્યાવરણ સુધરે તે માટે મિયાવાકી પધ્ધતિનો સમાવેશ કર્યો છે. જંગલ ઉછેરવા ખુબ વિશાળ જમીન જોઈએ એ માન્યતા મિયાવાકીએ બદલી નાખી છે. મારા ઘરના વાડામાં કે મારા ખેતરમાં મારું જંગલની કલ્પના સાકાર કરવામાં આ પધ્ધતિ ઉપયોગ બની શકે છે.