રૂની નિકાસ 60 લાખ ગાંસડી થવાની સંભાવના

ચીન, બાંગ્લાદેશ અને વિયેટનામની માગ - રૂનો ભાવ સિઝનની ટોચ પરથી પટકાયો   અમારા પ્રતિનિધિ તરફથી   રાજકોટ. તા.26 ફેબ્રુ.   ન્યૂયોર્ક કોટન વાયદામાં પૂરપાટ તેજીને પગલે સંકર રુના ભાવ ફેબ્રુઆરી દરમિયાન પ્રીંગની માફક ઉછળી ગયા છે. વૈશ્વિક તેજીની અસરે નિકાસ અને ઘરેલુ માગ વધતા તેજીને બળ મળ્યું છે. આમ ફેબ્રુઆરી માસમાં ગુજરાતમાં સંકર રુનો ભાવ ખાંડીએ રુ. 2700 જેટલો ઉંચકાઇને ગુરુવારે રુ. 46200ની ચાલુ સીઝનની નવી ટોચ પર પહોંચ્યો હતો. અલબત્ત ન્યૂયોર્ક કોટન વાયદામાં ગુરુવારે મોડી રાત્રે ભારે મોટું કરેક્શન આવતા ભારતીય બજારમાં પણ નરમાઇ આવી હતી. ગુજરાતમાં સંકર રુનો ભાવ રુ. 45500-45600 ની સપાટીએ પહોંચી ગયો હતો.   ફેબ્રુઆરી મહિનાના આરંભે ગુજરાતમાં સંકર રુના સોદા રુ. 43500ના ભાવથી પડતા હતા. ગુરુવારે રુ. 46200ની ટોચ જોવા મળી હતી. એમાં ન્યૂયોર્ક વાયદાની તેજી અને નિકાસ-સ્થાનિક માગનો ફાળો છે. ફેબ્રુઆરી મહિનામાં ન્યૂયોર્કના વાયદામાં 12 સેન્ટની તેજી થઇ ગઇ છે. જોકેગુરુવારે ભારે કડાકો વાયદાના અંતિમ દિવસે વેચવાલીને લીધે જોવાયો હતો. મે મહિનાનો ન્યૂયોર્ક વાયદો 4 સેન્ટ તૂટી જતા 89.69 સેન્ટની સપાટીએ બંધ થયો હતો. અમેરિકાનું અઠવાડિક રુનું વેચાણ સામાન્ય રહ્યું હોવાના કારણે પણ ભારે વેચવાલી હતી.   રાજકોટની જયદીપ કોટનના અરાવિંદભાઇ પટેલ કહે છે, ન્યૂયોર્ક વાયદામાં ટૂંકાગાળામાં ભારેખમ તેજી થતા રુના ભાવ સળગ્યા છે. જોકે ભારતના રુના ભાવ નીચાં હોવાથી નિકાસ માગ પણ વધી છે. બાંગ્લાદેશ, ચીન અને વિયેટનામ જેવા દેશોમાં ભારતીય રુની માગ ખૂબ સારી છે. હાલના દિવસોમાં રોજ 25થી 30 હજાર ગાંસડીના સોદા નિકાસ માટે થઇ રહ્યા હોવાનો અંદાજ છે. નિકાસ માટે રુના સોદા બુધવાર સુધી 87-88 સેન્ટના ભાવથી થયા હતા. જોકે હવે ન્યૂયોર્ક તૂટતા ભાવ રિવાઇઝ થશે.   ભારતમાંથી નિકાસનો અંદાજ અગાઉ નીચો હતો પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કામકાજ વધી ગયા છે એ જોતા નિકાસમાં 60 લાખ ગાંસડી જાય તેવી પૂરતી શક્યતા હોવાનું તેમણે ઉમેર્યું હતુ. ગયા વર્ષમાં આશરે 42થી 43 લાખ ગાંસડીની નિકાસ કરવામાં આવી હતી.   રુનો પાક અગાઉના અંદાજ કરતા ઓછો આવશે કે કેમ તેના વિષયમાં જણાવ્યું કે, અમારા મતે 3.60 કરોડ ગાંસડીથી ઓછો પાક આવે તેવું જણાતું નથી. આ વર્ષે યાર્ન ઉત્પાદકો અને નિકાસ માટે માગ સારી રહેતા સૌથી વધારે ફાયદો ખેડૂતોને થયો છે. ખેડૂતોને  અત્યારે પણ મંડીઓમાં રુ. 1300 ઉપરાંતના ભાવ સારાં કપાસના મળી રહ્યાછે.    સૌરાષ્ટ્ર કપાસ, કપાસિયા અને ખોળ બ્રોકર્સ એસોસીએશનના પ્રમુખ અવધેશ સેજપાલ કહે છેકે, હવે ખેડૂતો પાસે ફક્ત 10-15 ટકા માલ હોવાનો અંદાજ છે. હવે દોઢ માસથી વધારે આવક થાય તેવી શક્યતા નથી. એ કારણે જિનો વહેલી પણ બંધ કરી દેવી પડી શકે છે. જિનોને ડિસ્પેરિટીનો મુદ્દો પણ મોટો છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer