અમેરિકન બૉન્ડમાં તીવ્ર ઉછાળો : સેન્સેક્ષ - નિફ્ટીમાં પ્રચંડ કડાકો

બ્રેન્ટ ક્રૂડ અને વૈશ્વિક સોનું ઘટયાં, રૂપિયો ડૉલર સામે 104 પૈસા તૂટયો    વાણિજ્ય પ્રતિનિધિ તરફથી   મુંબઇ, તા. 26 ફેબ્રુ.   અમેરિકન બૉન્ડ યિલ્ડમાં આવેલા તીવ્ર ઉછાળાના કારણે આજે વૈશ્વિક શૅરબજારોમાં વેચવાલીનાં પૂર આવ્યાં હતાં અને તેમાં ભારતીય શૅરબજારો પણ તણાઇ ગયાં હતાં. સેન્સેક્ષ અને નિફ્ટીએ સવારે બજાર ખૂલતાં જ ઊંચા વિક્રમી સ્તરો ગુમાવ્યા હતા. આજના વૈશ્વિક કડાકા માટે અમેરિકા દ્વારા સિરીયા ઉપર હવાઇ હુમલા અને વિક્રમી આર્થિક પૅકેજના કારણે ફુગાવો વધવાનાં કારણો પણ સામેલ થતાં રોકાણકારો ભયભીત થઇ વેચવાલી તરફ વળ્યા હતા.  અમેરિકન યિલ્ડના ભાવ વધવાથી વિદેશી રોકાણ (એફપીઆઇ) દેશમાંથી બહાર જતું રહેશે એવા અંદેશાથી સ્થાનિક શૅરબજારોમાં કડાકો બોલ્યો હતો. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્ષ 2000 પૉઇન્ટ્સ તૂટયા બાદ સહેજ સુધરીને સત્રના આખરે 1939 પૉઇન્ટ્સ ઘટી 49,099 પૉઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 568 પૉઇન્ટ્સ ઘટી 14,529ના સ્તરે બંધ આવ્યા હતા.   આ વૈશ્વિક ઘટનાઓ સાથે આજે ડૉલરમાં જબરદસ્ત તેજી નીકળી હતી. યુએસ ડૉલર ઊછળતાં સોનું પ્રતિ ઔંસ 18 ડૉલર તૂટી 1757 ડૉલર રનિંગ હતું જ્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બૅરલ 72 સેન્ટ ઘટી 66.16 ડૉલર હતું.    આજે સવારે એશિયન શૅરબજારો મોટા ઘટાડા સાથે બંધ આવ્યાં હતાં. જપાનનો નિક્કી 4 ટકા, હેંગસેંગ 3.64 ટકા અને સાઉથ કોરિયાનો કોસ્પી 2.80 ટકા ઘટીને બંધ થયા હતા. બપોરે યુરોપનાં બજારો પણ ઘટાડા સાથે શરૂ થયાં હતાં.   યુરોપનાં બજારોમાં જર્મન ડેક્સ 0.61 ટકા, લંડન શૅરબજાર 1.05 ટકા અને ફ્રાન્સનો સીએસી 0.78 ટકાના ઘટાડા સાથે ટ્રેડમાં હતા.  કૉમોડિટીઝમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 72 સેન્ટ ઘટી 66.16 ડૉલર અને ગોલ્ડ પ્રતિ ઔંસ 18.10 ડૉલર ઘટી 1757.30 ડૉલર રનિંગ હતું.     

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer