સરહદે શાંતિ, કૉંગ્રેસમાં અશાંતિ

દિલ્હીના સીમાડે કિસાનોની જમાવટ અને આંદોલન ઉપરથી ધ્યાન હટીને હવે બંગાળ, તામિલનાડુ, આસામ અને પુડુચેરીની ચૂંટણી ઉપર છે. સાથે જ ભારતની લદ્દાખ સરહદ ઉપરથી ચીની સેના પાછી હઠી રહી છે અને હવે ઘર્ષણ નહીં હોવા છતાં સાવધાની અને આપણી સેનાની તૈયારી યથાવત્ છે. આ દરમિયાન પાકિસ્તાન અને ભારતના લશ્કરી અધિકારીઓએ સરહદ ઉપર અંકુશ રેખા ઉપર `યુદ્ધ વિરામ' અને સંપૂર્ણ શાંતિ જાળવવાની સમજૂતી કરી છે. અલબત્ત - આતંકવાદીઓ સામેની આપણી કાર્યવાહી તથાવત્ ચાલુ જ રહેશે અને જમ્મુ-કાશ્મીરમાંથી સેના પણ હઠાવાશે નહીં. ચીન અને પાકિસ્તાન બંને સરહદ ઉપર ફૂંફાડા મારતા હતા પણ ભારતના દૃઢ નિરધાર અને શક્તિ જોયા પછી `શાંત' પડયા છે. ચીનના આર્થિક હિત ઉપર ભારતના પ્રહારની અસર પણ થઈ છે. સરહદ ઉપર તંગદિલી ઘટતાં ભારતે ચીનની કંપનીઓ માટે `બારી' ખોલી છે તે સૂચક છે.  પાકિસ્તાન ચીનને અનુસરતું નથી પણ હવે ચીનને વળગતું નથી. અમેરિકામાં બાયડન સત્તા ઉપર આવ્યા પછી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ ગયો છે કે ચીનથી દૂર રહો. અર્થાત્ ભારત સાથે સંબંધ સુધારો - બાયડનના સંદેશ પછી પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન પણ કાશ્મીર અંગે `માનભેર' સમાધાનની વાત કરતા થયા છે - લડાયક ભાષા સંભળાતી નથી.  આમ આંતરરાષ્ટ્રીય તખતા ઉપર ભારત - નરેન્દ્ર મોદીની ડિપ્લોમસી સફળ થઈ છે.  ઘરઆંગણે - ગુજરાતની તાજેતરની ચૂંટણીમાં ભાજપને જે વિજય મળ્યો છે તે જોઈને કૉંગ્રેસના નેતાઓ અવાક થઈ ગયા છે. વિશેષ તો `આપ' અને બસપા તથા ઓવૈસીને જે સફળતા મળી છે તે ઉપરથી પવન કઈ દિશામાં વહે છે તેનો અણસાર આવી ગયો છે. પંજાબની ચૂંટણીમાં અમરીંદરને વોટ મળ્યા છે, કૉંગ્રેસને નહીં. હવે કૉંગ્રેસમાં આંતરિક લોકશાહીની માગણી વધી રહી છે જે 23 નેતાઓએ પ્રમુખની ચૂંટણી - મુક્ત રીતે થાય એવી માગણી કરી હતી તે નેતાઓ હવે અજિંક્ય બન્યા છે. ગાંધી પરિવાર રાહુલ ગાંધીને જ પ્રમુખપદે બેસાડવા માગે છે. પ્રિયંકા વડરા પણ સક્રિય છે તેથી સિનિયર નેતાઓને ખાતરી થઈ ગઈ છે કે ગાંધી પરિવારને પરવા નથી અને કૉંગ્રેસને ગાંધી પરિવાર મુક્ત બનાવવાનું આસાન નથી. એક અહેવાલ અનુસાર ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળ જમ્મુ ખાતે બેઠક યોજીને હિલચાલ શરૂ થઈ છે. અલબત્ત, આ હિલચાલથી જૂના - પક્ષ છોડી ગયેલાઓની ઘરવાપસી શરૂ થશે કે નહીં તે જોવાનું છે.  કિસાન આંદોલનમાં તથા લદ્દાખ સરહદના મામલામાં રાહુલ ગાંધીએ જે ભાષા વાપરી તેનાથી ઘણા કૉંગ્રેસીઓ નારાજ અને નિરાશ થયા છે - તાજેતરમાં એમણે ઉત્તર ભારતીય કરતાં દક્ષિણ ભારતીય લોકોને વધુ શિક્ષિત - સમજદાર લેખાવીને ભૂલ કરી છે. વાસ્તવમાં એમને કેવી શિષ્ટભાષા વાપરવી તેનું ભાન નથી. તેથી વફાદાર નેતાઓ પણ સૂર પુરાવતા નથી. કૉંગ્રેસમાં શું રંધાઈ રહ્યું છે તે જોવા માટે બંગાળ - વગેરે ચૂંટણીનાં પરિણામની રાહ જોવી પડશે.  ---  કિસાન નેતા - રાકેશ ટિકાયતે ચાળીસ લાખ ટ્રેક્ટરોની ફોજ લાવીને નવી દિલ્હીમાં સંસદ પરિસરને ઘેરાવો કરવાની જાહેરાત કરી છે. તો બીજી બાજુ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ દરમિયાનગીરી કરે તો સમાધાન થઈ શકે એમ પણ કહ્યું છે...  --  રાહુલ ગાંધીએ અંબાણી - અદાણી જાણે દેશના દુશ્મન હોય એવો પ્રચાર કર્યો છે ત્યારે મુંબઈમાં અંબાણી પરિવારના નિવાસસ્થાને - મહેલની નજીક - જે કાર સ્ફોટક પદાર્થ સાથે મળી છે તેની તપાસ થઈ રહી છે પણ રાજકીય નેતાઓએ વાણીવિલાસ - શક્ય અસરનો વિચાર કરીને કરવો જોઈએ.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer