મિનિ સિમેન્ટ ઉદ્યોગની જીએસટીમાં રાહતની માગણી

મિનિ સિમેન્ટ ઉદ્યોગની જીએસટીમાં રાહતની માગણી
મધ્યમ કદના ઉદ્યોગને મોટી કંપનીઓ સાથે સીધી હરીફાઇથી મુશ્કેલી નિલય ઉપાધ્યાય   રાજકોટ, તા. 26 ફેબ્રુ.   કાચા માલના ભાવવધારાથી ત્રસ્ત મિનિ સિમેન્ટ ઉત્પાદકોએ જીએસટીમાં રાહતની માગણી બળવતર બનાવી છે. મિનિ સિમેન્ટ પ્લાન્ટની ગુજરાતના ખૂબ જૂના અને મધ્યમ કદના ઉદ્યોગ તરીકે ગણના થાય છે. જોકે આ ઉદ્યોગ માટે કોર્પોરેટ કંપનીઓ જેટલો 28 ટકાનો જીએસટી દર રાખવામાં આવ્યો હોવાથી તીવ્ર હરિફાઇનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગનો જીએસટી 12 ટકા કરવા માટેની માગણી  થઇ રહી છે. જોકે આ મુદ્દે અનેક રજૂઆતો છતાં તેનો સરકારમાં પડઘો પડ્યો નથી.   ગુજરાત મિનિ સિમેન્ટ પ્લાન્ટસ એસોસીએશનના પ્રમુખ અરાવિંદભાઇ શાહ કહે છે, ઉંચા જીએસટીને લઇને અમારે કોર્પોરેટ સાથે સીધી હરિફાઇ કરવી પડે છે. ખરેખર અમારો ઉદ્યોગ મધ્યમ કદનો છે પણ કોઇ લાભ એ પ્રકારે મળતા નથી. કોલસો, જીપ્સમ, લાઇમસ્ટોન અને પેટકોક જેવા કાચા માલના ભાવમાં 10થી 20 ટસા સુધીનો વધારો અનલોકની પ્રક્રિયાથી અત્યાર સુધીમાં થઇ ગયો છે. એ કારણે હવે સિમેન્ટનું ઉત્પાદન પોસાય તેવું રહ્યું નથી. એ કારણે અમે જીએસટી ઘટાડવાની માગ કરી છે.   કાચો માલ મોંઘો છે એવામાં હવે પેટ્રોલિયમ પેદાશોના ભાવ પણ ઉંચકાઇ જવાને લીધે મુશ્કેલી પડી રહી છે. ડિઝલ મોંઘું થતા ટ્રાન્સપોર્ટેશન પરવડતું નથી. બીજી તરફ સરકારી કામકાજમાં મિનિ સિમેન્ટ વાપરવાની પાબંદી છે એટલે ઉપાડ પણ બહુ ઓછો રહે છે. તેમણે કહ્યું કે, સરકાર ફક્ત 1 ટકો મિનિ સિમેન્ટ સરકારી પ્રોજેક્ટમાં વાપરવાની છૂટછાટ આપે તો પણ ઘણો ફાયદો ઉદ્યોગને થઇ શકે તેમ છે.   ગુજરાતમાં એક દાયદા પૂર્વે 100 જેટલા મિનિ સિમેન્ટ પ્લાન્ટસ હતા. જોકે હવે ફક્ત 50થી 55 ની સંખ્યામાં બચ્યા છે. ધીરે ધીરે ફેક્ટરીઓને તાળા લાગી રહ્યા છે. હવે ઉદ્યોગને બચાવવો હોય તો સરકારી કામકાજોમાં મિનિ સિમેન્ટનો ઉપયોગ જરુરી છે. અત્યારે પણ તમામ પ્લાન્ટ આશરે 50 ટકા જેટલી ક્ષમતાથી ચાલી રહ્યા છે.   કોર્પોરેટ કંપનીઓની સિમેન્ટનો ભાવ રુ. 335-340 ચાલી રહ્યો છે. એની સામે મિનિ સિમેન્ટ રુ. 280-285માં વેચાઇ રહી છે. જોકે તેનો ઉપાડ બહુ મર્યાદિત રહેતો હોય છે. જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં સિમેન્ટનું કુલ વેચાણ 27 લાખ ટન થયું હતુ. એમાંથી મિનિ સિમેન્ટનો હિસ્સો ફક્ત 0.5 ટકા જેટલો જ હોવાનું તારણ નીકળ્યું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer