ઇન્ડિયન અૉઈલ ઈથાનોલ અને ઈ-વાહનની બેટરી બનાવવાનો પ્લાન્ટ સ્થાપશે

ઇન્ડિયન અૉઈલ ઈથાનોલ અને ઈ-વાહનની બેટરી બનાવવાનો પ્લાન્ટ સ્થાપશે
મુંબઈ, તા. 26 ફેબ્રુ.   ઇન્ડિયન અૉઈલ કોર્પોરેશન તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં રૂા.600 કરોડના ખર્ચે બે ઈથાનોલ પ્લાન્ટ સ્થાપશે. આ માટે કંપનીને તેલંગણ પાસેથી જરૂરી મંજૂરીઓ મળી છે. આ બંને પ્લાન્ટની ક્ષમતા પ્રતિ દિન પાંચ લાખ લીટર ઈથેનોલની હશે.    આ ઉપરાંત ઇન્ડિયન અૉઈલ ઈઝરાયલની કંપની સાથે મળીને ગીગાવોટ ઈલેક્ટ્રિક વાહન (ઈવી) બેટરી બનાવવા માટેના પ્લાન્ટની યોજના તૈયાર કરશે. એલ્યુમિનિયમથી બનનારી આ બેટરી ભારતમાં ઉપલબ્ધ થશે. આ બેટરીની ક્ષમતા એક વખત ચાર્જ કરતા 400 કિલોમીટર સુધીની હશે.    ઇન્ડિયન અૉઈલના રિસર્ચ અને ડેવલપમેન્ટના ડિરેક્ટર એસએસવી રામાકુમારે કહ્યું કે, કંપનીના પેટ્રોલ પંપમાં ડીઝલ અને પેટ્રોલ ઉપરાંત મિથેનોલ, ઈથેનોલ, સીએનજી, એલએનજી, બેટરી સ્વાપિંગ સર્વિસ અને ઈ-વાહન ચાર્જિંગની સુવિધા હશે. આત્મનિર્ભર ભારતની પહેલ અંતર્ગત ઇન્ડિયન ઓઈલ તબક્કાવાર યોજનાઓ બનાવી રહી છે. ખાનગી ક્ષેત્રને ઈથેનોલ પ્લાન્ટ સ્થાપવાનું પ્રોત્સાહન આપી કંપનીએ 100 ટકા બાય બેકની ખાતરી આપી છે.   કંપનીના ટીએસ અને એપીના હેડ આરએસએસ રાવે કહ્યું કે, દેશનું પરિવહન પેટ્રોલ-ડીઝલને બદલે ગેસ અને ઈવીમાં સંક્રમણ થતુ હોવાથી અમારો રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગ આવનારા પડકારોનો સામનો ટેકનોલોજી વડે કેવી રીતે કરવો તેનું સંશોધન કરી રહી છે.    લ્યુબ્સ (લુબ્રિકન્ટ) ઉપર ધ્યાન કેન્દ્રિત કરનારુ આરએન્ડડી વિભાગ પ્લાસ્ટિક તથસ્થતા, બાયોફ્યૂલ્સ, હાઈડ્રોજન, ફ્યૂલ સેલ્સ, ઈ-વાહન માટેની એનર્જી સ્ટોરેજ બેટરી અને કાર્બન ટેકનોલોજી ઉપર પણ ઉંડાણપૂર્વક કામ કરી રહી છે.   દિલ્હીમાં હાઈડ્રોજન સીએનજીથી ચાલતી 50 બસોના પ્રાયોગિક ધોરણે ચાલતા પ્રોજેક્ટનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટને વિસ્તારવાની પણ યોજના છે. સુપ્રીમ કોર્ટ પણ આના ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer