બૉશ ઇન્ડિયાનો બેંગલુરુ પ્લાન્ટ એઆઇઓટી એનેબલ્ડ બનશે

બૉશ ઇન્ડિયાનો બેંગલુરુ પ્લાન્ટ એઆઇઓટી એનેબલ્ડ બનશે
દસ હજાર સોફ્ટવેર એન્જિનિયર્સને રોજગાર મળશે   મુંબઈ, તા. 26 ફેબ્રુ.  અૉટોમોટીવ કોમ્પોનન્ટ ઉત્પાદક બૉશ ઇન્ડિયા તેની બેંગલુરુ પ્લાન્ટને સંપૂર્ણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અૉફ થિંગ્સ (એઆઈઓટી) એનેબલ્ડ ઍન્ડ-ટુ-ઍન્ડ સ્માર્ટ કૅમ્પસમાં રૂપાંતર કરશે. આ માટે તે રૂા. 800 કરોડનું રોકાણ કરશે.   જર્મન કંપની બૉશ ભારતમાં 100 વર્ષ આવતા વર્ષે પૂરા કરી રહી છે ત્યારે આ કૅમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવશે.   બૉશ ગ્રુપના રિજનલ પ્રેસિડન્ટ સૌમિત્ર ભટ્ટાચાર્યએ કહ્યું કે, 75 એકરમાં પથરાયેલા સ્માર્ટ કેમ્પસને ખરા અર્થમાં ઍન્ડ-ટુ-ઍન્ડ સ્માર્ટ બનાવવા રૂા. 800 કરોડનું રોકાણ કરાશે અને તેમાં વિશ્વમાં બીજા સૌથી વધુ કર્મચારીઓનો સમાવેશ કરાશે. આ કેમ્પસમાં ગ્રુપની વિવિધ ગ્રુપ કંપનીઓ છે, જેમાં હોમ એપ્લાયન્સીસ, પાવરટૂલ્સ, પાવરટ્રેઈન્સ અને અૉટોમોટીવ આફ્ટરમાર્કેટ ડિવિઝનનો સમાવેશ છે. તેનું કામ પૂરું થતાં અંદાજે 10,000 સોફ્ટવેર એન્જિનિયર્સને સમાવશે.   ભટ્ટાચાર્યએ કહ્યું કે, આ કેમ્પસ વિશ્વના સૌથી મોટા ટેક સેન્ટર્સમાં સ્થાન ધરાવતું બનશે અને યુરોપની બહારનું સૌથી મોટું સેન્ટર બનશે. આ કૅમ્પસ એઆઈઓટી કંપની તરીકેનું સીમાચિહ્ન ગણાશે.   તેમણે કહ્યું કે કોવિડ-19 પછી ટચલેસ અૉટોમેશન, ડિટેક્ટિંગ કેમેરા, જેસ્ચર કંટ્રોલ પ્રોડક્ટ્સની માગ વધી છે અને કંપની આ તમામ નૂતનતાઓ લાવવા માટે સરકાર સાથે મળીને કામ કરી રહી છે. આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને દોહરાવતા તેમણે કહ્યું કે કંપની 68 વર્ષથી ``મેઈક ઈન ઇન્ડિયા''ની દિશામાં જ કામ કરી રહી છે.   ભટ્ટાચાર્યએ કહ્યું કે સંશોધન પ્રવૃત્તિ (આરએન્ડડી) કંપનીના વિકાસનું મુખ્ય ચાલકબળ છે. તેના કુલ ટર્નઓવરના 8થી 10 ટકાની ફાળવણી આ માટે ફાળવાય છે. કંપનીના કુલ 14 લાખ કર્મચારીમાંથી 71,000 આરઍન્ડડીમાં કામ કરે છે. જર્મનીની બહાર માત્ર ભારતમાં સૌથી મોટું આરએન્ડડી સેન્ટર છે.  વધુમાં બૉશ હોમ એપ્લાયન્સીસ દેશમાં જંગી રેફ્રિજરેટર ફેક્ટરી સ્થાપવા સહિતના અન્ય હેતુ માટે ત્રણ-ચાર વર્ષમાં 10 કરોડ યુરોનું રોકાણ કરશે.   બીએસએચ હાઉસહોલ્ડ એપ્લાયન્સીસના મૅનાજિંગ ડિરેક્ટર અને સીઈઓ નીરજ બહલે કહ્યું કે, આવનારા વર્ષોમાં બૉશ મુખ્યત્વે તેના આઈઓટી આધારિત સોલ્યુશન્સ સાથે કનેક્ટિવિટી ઉપર ધ્યાન આપશે અને આ ક્ષેત્રે રોજગારની તકો વધારશે.   દેશનું હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ બજાર વાર્ષિક 14.5 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધવાની તેની ધારણા છે અને વર્ષ 2022 સુધીમાં તે બે અબજ ડૉલરનું થવાનો અંદાજ છે.  આ સેગમેન્ટમાં તેનો બિઝનેસ નોંધપાત્ર વધશે તેવો તેને વિશ્વાસ છે. કંપનીએ તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને સતત વિસ્તાર્યો છે.    

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer