અદાણી ગ્રુપ માટે દેશનાં અન્ય ઍરપોર્ટ ખરીદવા માટેનું માધ્યમ બનશે એમઆઈએએલ

અદાણી ગ્રુપ માટે દેશનાં અન્ય ઍરપોર્ટ ખરીદવા માટેનું માધ્યમ બનશે એમઆઈએએલ
ઍરપોર્ટ બિઝનેસની હેડ અૉફિસ આવશે અમદાવાદથી મુંબઈ મુંબઈ, તા. 26 ફેબ્રુ.  અદાણી ગ્રુપ દેશના અન્ય ઍરપોર્ટ ખરીદવા માટે મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (એમઆઈએએલ)નો માધ્યમ તરીકે ઉપયોગ કરશે, એમ સૂત્રોએ કહ્યું હતું. ઍરપોર્ટના ખાનગીકરણ માટે ઍરપોર્ટ્સ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (એએઆઈ)એ આવતા વર્ષે છથી 12 ઍરપોર્ટ માટે ખાનગી કંપનીઓ પાસેથી બિડ મગાવી છે.   અદાણી ગ્રુપ તેમના ઍરપોર્ટ બિઝનેસની હેડ અૉફિસ અમદાવાદથી મુંબઈ ખસેડી શકે તેવી શક્યતા છે. સૂત્રોએ કહ્યું કે, ગ્રુપે લોજિસ્ટિક કંપની ઓવકાર્ગોના ભૂતપૂર્વ સીઈઓ પ્રકાશ તુલસીયાનીની નિમણૂક એમઆઈએએલના સીઈઓ તરીકે કરી છે, જે તુલસિયાની રાજીવ જૈનના સ્થાને આવશે.   મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટમાં અગાઉ 74 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે અદાણી ગ્રુપે જીવીકે ગ્રુપ અને સાઉથ આફ્રિકાની બે કંપની- બિડવેસ્ટ અને ઍરપોર્ટ કંપની અૉફ સાઉથ આફ્રિકા સાથે કરાર કર્યા હતા.  રાજીવ જૈનને બોર્ડમાં નિયુક્ત કરવામાં આવશે ઉપરાંત ઍરપોર્ટ બિઝનેસમાં ઘણા ફેરફારો થશે એમ પણ સૂત્રોએ કહ્યું હતું.   અદાણી ગ્રુપે 26 ટકા હિસ્સા માટે લઘુમતી ભાગીદારોને રૂ 1,685 કરોડની ચૂકવણી કરી છે, જ્યારે જીવીકે ઍરપોર્ટ ડેવલપર્સના 50.5 ટકા હિસ્સાનું મૂલ્ય શૂન્ય ગણવામાં આવ્યું છે. ઉપરાંત જીવીકેનું રૂ 2,507.95 કરોડનું દેવું અદાણી ગ્રુપ લઈ લેશે, જે કંપનીની પેઈડ-અપ મૂડીના 95 ટકા હશે.   સૂત્રોએ કહ્યું કે, ગ્રુપ એડીપીએ જીએમઆર ઍરપોર્ટ્સમાં 49 ટકા હિસ્સો રૂ 9,720 કરોડમાં હસ્તગત કર્યો છે, જ્યારે અદાણીએ એમઆઈએએલની અસ્ક્યામતોની ખરીદી કરી શકશે. સરકારની આ બિડમાં ગ્રુપ ભાગ લેશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer