લઘુ ઉદ્યોગો માટે ગુજરાતમાં કોરોના બાદ પણ ઊજળી તકો : નિર્મલા સીતારામન

લઘુ ઉદ્યોગો માટે ગુજરાતમાં કોરોના બાદ પણ ઊજળી તકો : નિર્મલા સીતારામન
ગુજરાતને બે અદ્યતન ટેક્સ્ટાઇલ પાર્કસની મંજૂરી આપવા મુદ્દે પ્રત્યુત્તર ટાળ્યો   અનિલ પાઠક   અમદાવાદ, તા.26 ફેબ્રુ.   કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન ગુજરાતના ઉદ્યોગપતિઓ અને નાણાંકીય નિષ્ણાતોને એવી સલાહ આપી કે આગામી દિવસોમાં નાના ઉદ્યોગો ખાસ કરીને એમએસએમઇના વિકાસ માટે ભારત સરકાર જે આર્થિક સહાય કરી રહી છે તેનો પૂરેપૂરો ફાયદો લેવા બહાર આવો કારણ કે ગુજરાતમાં કોરોના બાદ પણ આવા યુનિટસ માટે ઉજળી તકો છે.    એક તબક્કે શહેરના એક અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એવું પૂછયું કે મોબાઇલ ફોનના ઉત્પાદનમાં દક્ષિણના રાજયો જ આગળ છે અને તે પણ જયારે આ ઉદ્યોગનું માર્કેટ બે લાખ કરોડને વટાવી ગયું છે ત્યારે ગુજરાતમાં આ ઉદ્યોગ માટે શું થઇ શકે ? આ પ્રશ્નથી બે મિનિટ માટે શ્રીમતિ સીતારામન મુંઝાઇ ગયા. પરંતુ બીજી જ ક્ષણે બોલ્યા અલંગ શીપબ્રેકીંગ યાર્ડ તો ગુજરાતમાં જ છે ? દેશમાં બધે જ બધી વસ્તુઓનું ઉત્પાદન નથી થઇ શકતું એવું તેઓનું  કહેવું હતું.   આ ઉપરાંત વ્યાપાર અને ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા ગુજરાતને બે અદ્યતન ટેક્ષટાઇલ પાર્કસની મંજૂરી આપવી જોઇએ તેવી રજૂઆત કરાઇ હતી. કેન્દ્ર સરકારે બજેટમાં સાત નવા અદ્યતન ટેક્ષટાઇલ પાર્કસ સ્થાપવા માટે નાણાંકિય જોગવાઇ કરી છે. ત્યારે ગુજરાતમાં સુરત અને અમદાવાદ ખાતે આ દરખાસ્તને મંજુરી આપવી જોઇએ. જો કે મંત્રીશ્રીએ આ રજૂઆતનો પ્રત્યુત્તર ટાળ્યો હતો.  ગુજરાતમાં ગારમેન્ટસ અને આર્ટ સિલ્ક કરોડો રૂપિયાનું હુંડિયામણ રળી આપે છે. ત્યારે સુરતમાં મેન-મેડ ફાઇબર અને અમદાવાદમાં કોટન ગારમેન્ટીંગ માટે આવા પાર્ક મંજુર કરવા જોઇએ.   સીતારામને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એમએસએમઇ સેકટર માટે લગભગ ત્રણ લાખ કરોડ વાપરવાની છે. ત્યારે ગુજરાતના વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓએ આ સેકટરમાં ઝંપલાવી ફાયદો લેવો જોઇએ. કેન્દ્ર સરકાર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભરતા તરફ લઇ જવા અનેક પગલાં જાહેર કર્યા છે અને તેને આગળ ધપાવવા તેઓ મક્કમ છે.   મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે દેશના વિકાસ માટે ખોટ કરતા પબ્લિક સેકટર યુનિટ્સનું ડીસઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. કારણ કે વધુ ખાધ પોષાય તેમ નથી તેવી જ રીતે ખોટ કરતી બેંકો પણ નફો કરતી બેંકો સાથે જોડાશે.  આ બંને ક્ષેત્રમાં આગળ વધવું ખૂબ જરૂરી છે. અગાઉની સરકારોએ આ દિશામાં કોઇ નક્કર પગલાં ભર્યા નથી. તેથી દેશને કરોડોનું નુકશાન સહન કરવું પડયું છે. પેટ્રોલીયમ પેદાશના ભાવ ઘટાડવા માટે રાજય સરકારે કેન્દ્ર સાથે ચર્ચા કરી ભાવો ઘટે તેવું આયોજન કરવું જોઇએ. ગુરુવારે નાણાપ્રધાન અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમની સાથે વેપાર-ઉદ્યોગ અગ્રણીઓઓને થયેલા સંવાદમાં આર્થિક મુદ્દે વિષદ ચર્ચા અને પ્રશ્નોતરી થઇ હતી.    

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer