મુકેશ અંબાણીને પત્રમાં ખુલ્લી ધમકી

મુકેશ અંબાણીને પત્રમાં ખુલ્લી ધમકી
માલિક ઓળખાયો, ચોરેલી કારને પાર્ક કરનારો કૅમેરામાં કેદ એજન્સીસ  મુંબઈ, તા. 26 ફેબ્રુ.  અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર ગઈકાલે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવ્યા પછી આજે પોલીસે દાવો કર્યો હતો કે કારનો માલિક ઓળખાઈ ગયો છે. કાર થોડા દિવસ અગાઉ ચોરાઈ ગઈ હતી. મોઢા પર માસ્ક અને માથા પર હૂડી પહેરેલો માણસ કાર પાર્ક કરતો કૅમેરામાં ઝડપાઈ ગયો છે, પણ તેની ઓળખ થઈ શકી નથી. કારની અંદર મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ઉદ્દેશીને લખાયેલો હસ્તલિખિત પત્ર પણ હતો એવા અહેવાલો વિશે પોલીસે કહ્યું છે કે અંબાણી પરિવારને હાલમાં કોઈ ધમકીભર્યો પત્ર કે ફોન કોલ આવ્યો નથી.  દક્ષિણ મુંબઈમાં મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલા નજીક કારમાઇકલ રોડ પર બુધવારે મધરાત પછી પાર્ક કરાયેલી સ્કોર્પિયો કારમાંથી કેટલીક નંબર પ્લેટો પણ મળી આવી હતી. કાર મહારાષ્ટ્રમાં રજિસ્ટર થયેલી નથી.  તે ઉપરાંત કારમાંથી વીસ જિલેટીન સ્ટીકસ (જે વિસ્ફોટકોમાં વપરાય છે) પણ બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડને હાથ લાગી હતી એમ પોલીસે કહ્યું હતું. એસયુવીની નંબર પ્લેટ મુકેશ અંબાણીની સુરક્ષા વ્યવસ્થામાંના એક વાહનના જેવી જ હતી.  નંબર પ્લેટ બનાવટી છે અને કાર વિક્રોલીમાંથી ચોરાઈ હતી એમ પોલીસે કહ્યું હતું. કારના ચેસિસ નંબર ભૂંસી કાઢવાના દેખીતા પ્રયત્નો છતાં તેના માલિકને ઓળખી કાઢવામાં આવ્યો છે. પોલીસ કારનો માર્ગ શોધી કાઢવા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ એકત્ર કરી રહી છે.  કારમાંથી મળી આવેલી જિલેટીન સ્ટીકસ સૈન્યમાં વપરાય છે તેવી નહીં, તેનાથી ઉતરતી કક્ષાની, બાંધકામ, ખોદકામ કે ખાણકામમાં વપરાય છે તે પ્રકારની હતી. તેના પર નાગપુરની એક કંપનીનું સ્ટિકર હોવાથી તે ત્યાંથી આવી હોવાનું મનાય છે.  એન્ટિલિયાથી 400 મીટર દૂર વિસ્ફોટક ભરેલી કાર પાર્ક થયેલી મળી આવ્યા બાદ એન્ટિલિયાની બહાર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.  અન્ય એક ઇન્નોવા કારની પણ તપાસ થઈ રહી છે.  પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ એક મહિના સુધી રેકી કરવામાં આવી હતી. અંબાણી પરિવારની મૂવમેન્ટ્સ પર નજર રાખવામાં આવી. ગાડીઓના નંબર પણ નોંધી લેવાયા હતા. ગાડી એન્ટિલિયાથી લગભગ 400 મીટર દૂર પાર્ક કરવામાં આવી. એવી કોશિશ હતી કે વધુ નજીક પાર્ક કરવામાં આવે પરંતુ સુરક્ષા કારણોસર એવું બની શક્યું નહીં.  મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ આ અંગે તપાસ કરી રહી છે અને જલદી સચ્ચાઈ સામે આવી જશે. એટીએસ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓ પણ આ બનાવ પાછળ કોણ છે તેની તપાસ કરવામાં લાગી છે. મુંબઈની તમામ ચેકપોસ્ટ પર એલર્ટ છે અને આવતી જતી ગાડીઓની તપાસ થઈ રહી છે. બૉમ્બ સ્કવોડે કારને પોતાના કબજામાં લીધી છે. એન્ટિલિયાની આસપાસ સુરક્ષા ખૂબ કડક કરવામાં આવી છે. કારમાંથી જિલેટીનની જે સ્ટિક્સ મળી આવી છે તેને એસેમ્બલ કરવામાં આવી નથી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer