રાજકોટ યાર્ડમાં પાંચ અૉક્ટો.ની ચૂંટણીમાં 32 ઉમેદવારોએ ઝુકાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 28 સપ્ટે. 
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આખરે ચૂંટણી જંગ ફાઇનલ થઇ ગયો છે. ફોર્મ પરત ખેંચવાના આખરી દિવસે ખેડૂત વિભાગમાં 10 બેઠકો સામે 22 ઉમેદવારો બચ્યા છે બીજી તરફ વેપારી વિભાગની 4 બેઠકો માટે 10 ઉમેદવારો રહેતા હવે આ બન્ને વિભાગમાં પાંચમી ઓક્ટોબરના દિવસે ચૂંટણી થશે. બીજી તરફ ખરીદ-વેચાણ વિભાગમાં બે બેઠકો સામે પાંચ ઉમેદવારો હતા પરંતુ ત્રણ ફોર્મ પાછા ખેંચાઇ જતા આ બન્ને બેઠકો બિનહરિફ થઇ ગઇ છે.  
આ વખતે કિસાન સંઘના રાજકોટ જિલ્લાના પ્રમુખ દિલીપ સખિયાના નૈતૃત્વ હેઠળની પેનલે ભાજપ સાથે સીધા જંગમાં ઉતરવાનું પસંદ કર્યું છે. ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે માત્ર વધારાના ફોર્મ પાછા ખેંચવામાં આવતા હવે ભાજપના દસ ઉમેદવારો સામે સખિયાના 10 ઉમેદવારો છે. બે બેઠકો ઉપર અપક્ષે ઝૂકાવ્યું છે.   
વેપારી વિભાગમાં રાજકોટ માર્કેટ યાર્ડ વેપારી પ્રેરિત પેનલના ચાર ઉમેદવારો સામે અપક્ષ 6 ઉમેદવારોએ ઝૂકાવ્યું છે. આમ ત્યાં 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.   
ભાજપ દ્વારા એકમાત્ર પરસોતમ સાવલીયાને રીપીટ કરવામાં આવ્યા છે. નવ ઉમેદવારો સાવ નવા છે. એમાં પ્રવર્તમાન ચેરમેન ડી.કે. સખિયાના પુત્ર, ભરત બોઘરાના ભાઇ, ચેમ્બરના વી.પી. વૈષ્ણવના પુત્રનો પણ સમાવેશ થાય છે. ખેડૂત પેનલમાં કોઇ જૂના જોગી આ વર્ષે નથી. સંઘની બે બેઠકો પર પરસોતમ સાવલીયા અને કેશુભાઇ નંદાણિયા બિનહરિફ થઇ ચૂક્યા છે.  
ખેડૂત વિભાગના સામા પક્ષના ઉમેદવારો ટસના મસ ન થતા ચૂંટણી બિનહરિફ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. ભાજપે સમાધાનની ઓફર કરી હતી પણ કિસાન સંઘે કુલ છ બેઠકો માગતા તેનો સ્વીકાર થયો નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસની સદંતર ગેરહાજરી છે. કોંગ્રેસના કોઇ ઉમેદવારે ફોર્મ પણ ભર્યા ન હતા. પાંચમી ઓક્ટોબરના દિવસે મતદાન થવાનું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer