ઉત્તર ગુજરાતમાં તલનો પાક બગડવાની આશંકા

અડદના વાવેતરને પણ નુકસાન
અમદાવાદ, તા. 28 સપ્ટે.
સામાન્ય રીતે વરસાદ સપ્ટેમ્બરમાં અંતમાં વિદાય લેતો હોય છે પરંતુ હજુ પણ સાક્લોનિકસ સિસ્ટમ ડેવલપ થવાનું ચાલુ હોવાથી આજે વહેલી સવારથી જ ગુજરાત ભરમાં વરસાદ ચાલુ થયો છે. સૌરાષ્ટ્રથી લઇને, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહ્યો હોવાના અહેવાલ છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં વત્તા ઓછા પ્રમાણમાં પાકમાં નુકસાની થશે તેમ મના છે. ગુજરાતમાં બે ત્રણ દિવસ પહેલા 20 ટકા વરસાદની ઘટ હતી જે હવે 10 ટકા રહી છે.  
કૃષિ વિભાગના સૂત્રોના અનુસાર, ચાલુ વર્ષે અંદાજીત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર અત્યાર સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98.01% વાવેતર થયેલ છે.  
કિસાન સંઘના ગુજરાત ખાતેના પ્રમુખ વિઠ્ઠલ દૂધાત્રાએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં મગફળી, સોયાબીન અને અડદના પાક લેવાય છે તેમાં સતત વરસાદને કારણે અડદના પાક નિષ્ફળ ગયા છે. ખેતરમાં રોપા પણ સડી ગયા છે. મગફળીમાં ખેડૂતોએ ચાલુ વરસાદે પણ લણણી ચાલુ કરી દીધી છે. જ્યારે સોયાબીનના પાક ઉપર આવી ગયા છે, તેને હવે જમીનની વરાપની જરૂર રહે છે અને થોડા દિવસમાં તેની લણણી ચાલુ કરવી પડે તેવી પેદા થઇ છે. જો કાઢી લેવામાં ન આવે તો છોડ પર જ બગડી જશે. વધુમાં સતત વરસાદને કારણે કપાસ રાતો પડવા માંડ્યો છે. તેનો જરૂરી વિકાસ થતો નહી હોવાના કારણે પાંદડાઓ પીળા પડીને ખરવા માંડ્યા છે. આમ તેમાં પણ નુકસાની ચાલુ થઇ ગઇ છે. શિયાળુ પાકો જેમ કે જીરુ, ધાણા, ઘઉં, રાયડો વગેરેનું ચોમાસુ પાક મગફળી, કપાસ, અડદની લણણી બાદ વાવેતર શરૂ થશે.   
ઉત્તર ગુજરાતમાં ઊંઝા એપીએમસીના સૂત્રોએ જણાવ્યુ હતુ કે હાલમાં ઉત્તર ગુજરાતમાં ચોળા અને તલ પાકને નુકસાન છે. જ્યારે ડાંગર, જુવાર અન એરંડાના પાકને નુકસાન છે. ઉત્તર ગુજરાતમાં મોટે ભાગે નુકસાન જેવું નથી. ખેડૂતો પણ ખેતરોમાં પાણી ભરાય તો રાતોરાત વાળી દેતા હોવાથી પાણીનો ભરાવો રહેતો નથી. તલમાં આખે આખો છોડ ઉઠાવવામાં આવે છે અને ત્યાર બાદ સૂકાય એટલે તેમાંથી તલ છૂટા પાડવામાં આવે છે. સામાન્ય રીતે નવરાત્રિમાં નવો માલ આવતો હોવાથી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં લણણી થાય છે પરંતુ ચાલુ વર્ષે સતત વરસી રહેલા વરસાદને કારણે વત્તા ઓછા અંશે તલમાં નુકસાની થવાની સભાવના રહે છે. જીરુ, ઇસબગૂલનું વાવેતર દશેરા પછી શરૂ થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer