જામનગર પાર્ટ્સ ઉત્પાદકોનું કામકાજ વધીને 80 ટકાએ

અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 28 સપ્ટે.  
જામનગર-રાજકોટના બ્રાસ પાર્ટ ઉદ્યોજકો પાસે હવે કામકાજનું પ્રમાણ સારું એવું વધ્યું હોવાનું જાણવા મળે છે. વૈશ્વિક બજારમાં કોરોનાનો પ્રકોપ ઘટવા સાથે મોટાભાગના દેશોમાં લૉકડાઉન સમાપ્તિના આરે હોવાથી યુરોપ-અમેરિકા સહિતના દેશોમાં વાહન પૂર્જા અને એન્જાનિયારિંગની નિકાસમાં વધારો થયો છે. તેને પગલે રાજકોટ-જામનગરમાં પૂર્જા ઇન્ટરમિડિએટ અને અન્ય પાર્ટ્સની નિકાસમાં સમુચિત વધારો થયો હોવાનું ત્યાંના અગ્રણી ઉદ્યોજકોએ જણાવ્યું હતું.  
જામનગર ખાતે તાંબા-એલ્યુમિનિયમ સહિતની ધાતુઓના ભંગારની આયાતમાં પણ અગાઉની સામે નોંધપાત્ર વધારો થયો છે. વપરાશમાં વધારો થવાથી ગૃહ-કુટિર અને એમએસએમઈ તમામ નાનામોટાં યુનિટો પાસે હવે કામકાજનું પ્રમાણ લૉકડાઉન અગાઉની તુલનામાં 70થી 80 ટકાએ પહોંચ્યું છે.  
જો કે ચીન દ્વારા ભંગાર અને ધાતુની પુન: આયાત શરૂ થઈ છે જ્યારે અમેરિકામાં સ્થાનિક મેન્યુફેકચારિંગમાં વધારો થતાં વૈશ્વિક બજારમાં માલની થોડી તંગી વર્તાય છે. બીજી તરફ ચીનમાં સ્થાનિક વપરાશ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ પ્રોજેક્ટોમાં) વધતા તેની નિકાસમાં ઘટાડો થયો હોવાનું જાણકારો જણાવે છે. એટલે ભારતના પૂર્જા ઉત્પાદકોનું કામકાજ વધશે એવી આશા સ્થાનિક ઉદ્યોજકો સેવી રહ્યા છે.  
જામનગર એક્ઝિમ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ ધર્મભાઈ કે. જોશીએ 'વ્યાપાર'ને જણાવ્યું હતું કે `કોરોનાની અસર લગભગ નાબૂદ થયા પછી જામનગર ખાતેના ઔદ્યોગિક કામકાજમાં મોટો સુધારો આવ્યો છે. મજૂરવર્ગની સમસ્યા પણ હળવી બની છે. આગામી મધ્યમગાળે કામકાજમાં વધુ સુધારાની પૂરી શક્યતા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer