અનાજ-કઠોળની નવી 35 ખડતલ જાતો ખુલ્લી મુકાઈ

પ્રતિકૂળ આબોહવા સામે ટકી શકે તેવી આ જાતો રોગનો પ્રતિકાર પણ કરશે
પીટીઆઈ                         નવી દિલ્હી, તા. 28 સપ્ટે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનાજ અને કઠોળના વિવિધ પાકોની 35 નવી ખડતલ જાતોને ખુલ્લી મૂકી હતી. તેઓ આબોહવા પરિવર્તનની અસરોને પચાવી શકે છે એટલું જ નહીં વધુ પોષક મૂલ્ય પણ ધરાવે છે.
વડા પ્રધાને ખુલ્લી મૂકેલી પાકની જાતોમાં દુકાળનો સામનો કરી શકે તેવા ચણા, રોગનો પ્રતિકાર કરી શકે તેવા વટાણા, જલદી તૈયાર થઈ જાય તેવા સોયાબીન, રોગ પ્રતિકારક ચોખા તેમ જ ઘઉં, બાજરી, મકાઈ, ચણા, રાજગરો અને ચોળા જૈવિક દૃષ્ટિએ સુરક્ષિત જાતોનો સમાવેશ થાય છે.
આ જાતોના લોકાર્પણનો સમારોહ ભારતીય કૃષિ સંશોધન પરિષદની તમામ સંસ્થાઓ, કેન્દ્રીય અને રાજ્યસ્તરની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં યોજાયેલી એક વીડિયો કૉન્ફરન્સ દ્વારા યોજાયો હતો.
વડા પ્રધાને આ પ્રસંગે રાયપુર સ્થિત નેશનલ ઈન્સ્ટિટયૂટ અૉફ બાયોટિક સ્ટ્રેસ ટોલરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું, કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કૅમ્પસ એવૉર્ડ આપ્યા હતા અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી.
વડા પ્રધાને ઉપસ્થિત આમંત્રિતોને કહ્યું કે આબોહવા પરિવર્તન માત્ર ખેતી માટે જ નહીં પણ સમગ્ર પર્યાવરણ માટે મોટો પડકારરૂપ છે અને તેની અસરોનો સામનો કરવા વધુ પ્રયાસો કરવાની જરૂર છે.
વડા પ્રધાને કહ્યું કે ભારતીય ખેતી વિજ્ઞાન સાથે જોડાયેલી છે. આ જોડાણ ભારત માટે એકવીસમી સદીમાં ખૂબ જરૂરી છે. છેલ્લાં છ-સાત વર્ષથી કૃષિની સમસ્યાઓ ઉકેલવા માટે વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાનનો અગ્રીમતાના ધોરણે ઉપયોગ થઈ રહ્યો છે.
આપણું ધ્યાન વધુ પોષકમૂલ્ય ધરાવતા અને નવી પરિસ્થિતિને ખાસ કરીને આબોહવા પરિવર્તનને અનુકૂળ થઈ શકે તેવાં બિયારણો તૈયાર કરવા પર કેન્દ્રિત થયેલું છે.' એમ તેમણે જણાવ્યું હતું.
આબોહવા પરિવર્તનને સમગ્ર પર્યાવરણ સામેનો ગંભીર પડકાર લેખાવતા વડા પ્રધાને કહ્યું કે તેને કારણે નવી જાતના ઉપદ્રવી જીવો, નવા રોગો અને રોગચાળાઓ પેદા થયા છે, જે મનુષ્યો, પ્રાણીઓ તેમ જ પાકની તંદુરસ્તી માટે હાનિકારક છે.
આબોહવા પરિવર્તનને કારણે માછલીના ઉત્પાદન તેમ જ પ્રાણીઓના આરોગ્ય અને ઉત્પાદનને અસર થતી હોવાથી ખેડૂતો અને માછીમારોએ નુકસાન વેઠવું પડે છે.
આબોહવા પરિવર્તનની અસરથી ખેતીને બચાવવા માટે પ્રત્યેક નાગરિકે પ્રયાસ કરવા જરૂરી છે. એમ વડા પ્રધાને કહ્યું હતું.
આધુનિક ટેક્નૉલૉજી અને નવી કૃષિ પદ્ધતિઓ ભાવિ ખેતીના કેન્દ્રમાં હશે એમ કહીને વડા પ્રધાને ઉમેર્યું હતું કે બિયારણથી લઈને બજાર સુધીની જે નવી વ્યવસ્થા આપણે વિકસાવી રહ્યા છીએ તેને આધુનિક રાખવી અત્યંત જરૂરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer