ગુલાબ વાવાઝોડાની અસરે ગુજરાતમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં વ્યાપક અસર જોવા મળે તેવી શક્યતા 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 28 સપ્ટે. 
ગુલાબ વાવાઝોડાની અસરરૂપે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સતત વરસાદને લીધે ખેડૂતોના અને પ્રજાના જીવ ઉચ્ચક છે એવામાં વાવાઝોડાના સમાચાર આવતા ચિંતા વધી ગઇ છે. મગફળી, કપાસ સહિતના ખરીફ પાકો પર જોખમ વધી ગયું છે. 
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે વાવાઝોડાની અસર આવતી કાલથી દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. બુધવારે વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે પરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદ પડશે. 
ગુરુવારે રાજકોટમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે. હવે તેજ પવનો સાથે ગુજરાતમાં વાવાઝોડું પ્રવેશવાની શક્યતા ઘટી ગઇ છે.  
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જેથી ડેમના 12 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.  
રાજ્યમાં સિઝનનો વરસાદ સોમવાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો હજી કોરા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરેરાશ 85% વરસાદ થયો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધી 135% વરસાદ થયો હતો.
ગુલાબ નામનું વાવાઝોડું તેલંગણા, દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભમાં ડિપ ડિપ્રેશનમાં મંગળવારે સવારે ફેરવાઇ ગયું છે. હવે તે અરબી સમુદ્ર તરફ ફંટાઇને ત્યાંથી નવા શાહિન નામના વાવાઝોડાંને જન્મ આપશે, એવું હવામાન ખાતાએ જણાવ્યું છે. હવામાન ખાતાના તાજા બુલેટીન પ્રમાણે વાવાઝોડાની અસરથી ગુજરાતમાં 30 સપ્ટેમ્બર આસપાસ ભારેથી અતિભારે વરસાદ પડશે. 30-31 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી અસર વ્યાપક પ્રમાણમાં રહી શકે છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer