કપાસ-મગફળીના પાકને સતત વરસાદથી વ્યાપક નુક્સાન

કપાસ-મગફળીના પાકને સતત વરસાદથી વ્યાપક નુક્સાન
આગોતરા કપાસમાં ઉતારા ઘટવાની શક્યતા
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 28 સપ્ટે. 
સપ્ટેમ્બર સુધી વરસાદની અછત અને પછી આખો મહિનો સતત વરસેલા વરસાદને લીધે હવે ખરીફ પાકો અત્યંત જોખમ હેઠળ આવી ગયા છે. કઠોળ અને તલ જેવા પાકમાં વ્યાપક નુક્સાની થઇ ચૂકી છે. હવે કપાસ, મગફળી અને એરંડા પર ભારોભાર જોખમ છે. ઘણા વિસ્તારોમાં નુક્સાની શરું થઇ ગઇ છે. કપાસ અને એરંડામાં સતત પાણીને લીધે છોડ સૂકાઇ જવાના બનાવો નોંધાવા લાગ્યા છે. એવામાં ગુલાબ વાવાઝોડાંથી હજુ બે ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી થઇ છે એટલે ખેડૂતો તનાવ હેઠળ આવી ગયા છે. 
ખેડૂતો કહે છે, કપાસમાં આગોતરા માલનું નિકંદન નીકળી ગયું છે. આગોતરા કપાસ હવેપાણી સૂકાય એટલે કાપી નાંખવા પડે તેમ છે. કારણકે જીંડવા વરસાદને લીધે ખરી ગયા છે અને છોડ ઉભા છે તે સૂકાવાલાગ્યા છે. એ જોતા આગોતરા માલમાં 40-50 ટકા જેટલું નુક્સાન થયું હોવાનો અંદાજ છે. 
નારણકાના અગ્રણી ખેડૂત તેમના અભ્યાસ પ્રમાણે કહે છે, આગોતરા માલમાં નુક્સાની મોટી છે. ખેડૂતો પાસે હવે કાપીને તરત શિયાળુ પાકો લેવા સિવાયનો વિકલ્પ રહ્યો નથી. પાછોતરા વાવેતરમાં બહુ સમસ્યા નથી પણ હવે વરસાદ પડે તે તેમાં ય જીંડવા ખરી જશે. કપાસ-રુના ઉત્પાદનના અંદાજો આ વખતે અનિશ્ચિત રહે તેમ છે. જોકે મોડેથી કરેલા વાવેતરમાં કોઇ સમસ્યા નહીં હોવાનું પણ ખેડૂતો કહે છે. 
મગફળીમાં પણ નુક્સાની થઇ રહી છે. આગોતરી 20 અને 29 નંબરની મગફળી પાકી ગઇ છે. તે હવે ઉપાડવાનો સમય છે પણ વરસાદને લીધે ઉપાડી શકાઇ નથી. જો હજુ ઉપાડી ન શકાય તો ઉગી જવાનું જોખમ વધારે છે. 24,37 અને 39 નંબરની મગફળીમાં ઠેકઠેકાણે ઉગાવો શરું થઇ ગયો છે. જેમને કાઢી નાંખી છે એમના પાથરા પલળી ગયા છે. ઉગેલી મગફળી ગોગડી થઇ જાય છે અને એના નહી જેવા દામ આવે છે. 
અડદ, મગ અને તલ ટૂંકા દિવસોમાં થઇ જતા પાકો છે. તેમાં સતત વરસાદને લીધે શીંગમાં પાણી ભરાય જતા ઉત્પાદન સાવ ઓછું આવશે. અડદના વાવેતર ઉંચા ભાવને લીધે વ્યાપક પ્રમાણમાં થયા હતા. એમાં પણ બગાડ છે. ખેડૂતોના હાથમાં પચ્ચાસ ટકા જેટલો પાક માંડ માંડ આવે તેમ છે. 
ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં એરંડાના પાકમાં પણ નુક્સાનીની ચર્ચા ખેડૂતોમાં થઇ રહી છે. ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેવાને લીધે એરંડાના છોડ સૂકાય ગયા છે એની અસરથી હવે ઘણા ખેતરોમાં ફેરવાવેતર કરવું પડે તેમ છે. જોકે ખેડૂતો તેના બદલે હવે શિયાળુ સિઝનનો રાયડો કે મીઠી મકાઇ વાવવાનું પસંદ કરશે. 
આ વર્ષે અગાઉ વરસાદ ન હતો ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાય ગયા હતા અને પાણ માટે ખર્ચ કરી રહ્યા હતા. હવે કુદરત વરસી છે પણ કહેર જેવો વરસાદ લાગી રહ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer