અર્ધાથી વધુ મથકોનું વીજ ઉત્પાદન ખોરવાય તેવી શક્યતા

અર્ધાથી વધુ મથકોનું વીજ ઉત્પાદન ખોરવાય તેવી શક્યતા
કોલસાનો પુરવઠો ત્રણ વર્ષના તળિયે
નવી દિલ્હી, તા. 28 સપ્ટે.
દેશમાં કોલસાનો સ્ટૉક ત્રણ વર્ષના તળિયે જવાથી કોલસાથી ચાલતાં અડધાથી વધુ વીજળી મથકોનું કામકાજ ખોરવાઈ જવાનો ભય છે.
કોલસાની ખાણો ધરાવતા પ્રદેશોમાં ભારે વરસાદને કારણે તેના પુરવઠાની સમસ્યા ઉગ્ર બની છે. ખાણોમાં પાણી ભરાઈ ગયાં છે અને રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે તેથી કોલ ઈન્ડિયાની ખાણોમાં કામકાજ ધીમું પડી ગયું છે અને વીજળી મથકોને કોલસો પહોંચાડવાનું કામ અટકી ગયું છે એમ કોલ ઈન્ડિયાના ડિરેક્ટર બિનય દયાલે જણાવ્યું હતું.
દેશમાં કોલસાનો સ્ટૉક ઘટીને 93 લાખ ટન થયો છે જે ઓક્ટોબર 2018 પછીનો સૌથી ઓછો સ્ટૉક છે એમ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી અૉથોરિટીના આંકડા દર્શાવે છે. ભારતમાં 70 ટકા વીજળી કોલસામાંથી બને છે. વિદેશોમાં પણ લોકસાના ભાવ વધી ગયા હોવાથી સમસ્યા વધુ ગંભીર બની છે. મોટાભાગે આયાતી કોલસાથી ચાલતા કેટલાક પ્લાન્ટો ખોટ ઓછી કરવા ઓછી ક્ષમતાએ ચલાવવામાં આવે છે.
કોલસાની અછત એવા સમયે સર્જાઈ છે જ્યારે આર્થિક પ્રવૃત્તિ વેગવાન બનવાથી વીજળીના વપરાશમાં અસાધારણ વધારો થયો છે.
આ વર્ષે વીજળીના વપરાશમાં જુલાઈમાં 10 ટકાનો અને ઓગસ્ટમાં 18 ટકાનો વધારો જોવાયો હતો જે અસાધારણ છે કારણ કે આ મહિનાઓમાં બાંધકામ પ્રવૃત્તિ ધીમી પડી જાય છે અને હવામાન ઠંડું પડતાં વીજળીની માગ પણ મંદ પડે છે.
વીજળી મથકોએ કોલસાનો સ્ટૉક ઘટીને ગયા વર્ષના 73 ટકા સુધી આવી ગયો છે. પરિણામે કુલ 1.21 લાખ મેગાવોટ ક્ષમતા ધરાવતા મથકો પાસે 21 સપ્ટેમ્બરે માત્ર આઠ-દસ દિવસ ચાલે એટલો જ કોલસો હતો એમ સરકારી આંકડા કહે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer