બધી ચીજોમાં તેજી ત્યારે સોનામાં મંદી શા માટે?

બધી ચીજોમાં તેજી ત્યારે સોનામાં મંદી શા માટે?
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 28 સપ્ટે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગત સપ્તાહે ક્રૂડ તેલ પુરવઠાખેંચ અને ઊંચી માગના ટેકે મજબૂત રહયું હતું. ઔદ્યોગિક ધાતુઓ પણ માલબોજના અભાવે મક્કમ હતી. પરંતુ ગયા શુક્રવારે સોનું ડિસેમ્બર વાયદો ઇન્ટ્રાડેમાં 1738 ડોલર થઈ 1750 ડોલર બંધ રહ્યો હતો. 
ફુગાવો વધી રહ્યો છે અને બધી ચીજોમાં તેજી છે ત્યારે સોનુ કેમ નથી વધતું? આ એક વાજબી પ્રશ્ન છે. જે લોકો ઇતિહાસ જાણે છે તેઓ કહેશે કે ફુગાવો, બોન્ડનાં વળતર, નાણાનીતિ વગેરે પરિબળો સોનાચાંદીના આંતરપ્રવાહને સમજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે એ સાચું, પણ આ બધા વચ્ચે રાજકારણની પણ ભૂમિકા તો છે જ, તેનું શું? અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ લશ્કર પાછું ખેંચી લેવાથી અમેરિકા કે ડોલર સામે ભલે તત્કાળ સીધો કોઈ પડકાર ન હોય, પણ બુલિયન અને કોમોડિટી બજાર સામસામે આવી ગયા છે. સોનાના ભાવ ડોલરમાં દર્શાવાય છે અને ડોલરમાં લોકોનો ભરોસો ઓછો થઇ ગયો છે. તેથી ડોલર સોનાની શક્તિનું પ્રતાબિંબ પાડી શકતો નથી.    
આથી એવું નથી માની  લેવાની જરૂર નથી કે સોનાના ભાવ લાંબા ગાળા સુધી સતત ઘટયા કરશે. ભૌગોલિક-રાજકીય ઘટનાઓ બહુ થોડા સમય માટે અસર ઊભી કરતી હોય છે. સોના સામે અત્યારે સૌથી મોટો પડકાર મજબૂત મંદીવાળાઓ તરફથી છે જેઓ માને છે કે અમેરિકન ફેડ રિઝર્વે આપેલી વ્યાજદર વધારાની આગાહી સમય કરતાં વહેલી સાચી પડવાની સંભાવના છે.  
કઈક અંશે જગતભરની મધ્યસ્થ બેંકો બેઝલ-3 હેઠળ સોનાની કાયદેસરની ડિપોઝિટ રાખવામાં માનતી જ નથી. આવી બેંકો બુલિયન બજારમાં બિનજરૂરી અને કારણ વગરનાં ઉંબાડિયાં કરે છે. તેઓ નાણાંનીતિમાં બિનજરૂરી અખતરા કરીને વિદેશી મુદ્રા બજારમાં અકારણ ગૂંચો ઊભી કરે છે અને સોનાને ઝાંખપ લગાડવાનું કામ કરે છે. 
શેરબજાર તરફ જોઈએ તો ભાવો ઐતિહાસિક રીતે વધુપડતા ઊંચા ગયા છે. બોન્ડનાં વળતર શૂન્યથી નીચે રાખવાના પ્રયાસ થાય છે. મધ્યસ્થ બઁકોને સેન્ટ્રલ બેંકોને હવે પારદર્શક નહીં રહેવાની બિમારી લાગી છે. આને લીધે બજારમાં કોઈ પણ ચીજનો સાચો ભાવ શોધવાનું કામ કઠિન થઈ પડ્યું છે. બિટકોઇન અને સોનાની સરખામણીની ચર્ચા અંતહીન છે, પણ બિટકોઇને સોનાનો કેટલોક બજારહિસ્સો કબજે કરી લીધો છે એનો ઇન્કાર થઇ શકે એમ નથી. પરંતુ એક લાખ કરોડ ડોલર કરતાં ઓછું બજારમૂલ્ય ધારવતો બિટકોઇન 10 લાખ કરોડ ડોલરના સોનાના બજાર હિસ્સાને નષ્ટ કરી નાખશે એમ કહેવું વાજબી નથી. 
સોનાની ત્રણ ઐતિહાસિક ભૂમિકા આજે પણ અસ્તિત્વમાં છે, 1) મંદીના જોખમ સામેનું રક્ષણ, 2) બજારની અફડાતફડીના જોખમ સામેનું રક્ષણ અને 3) ફુગાવા/ચલણના મૂલ્યના જોખમ સામેનું હેજ. હજી ગયા વર્ષે જ ફુગાવામાં ઝડપભેર વધારો થવાના સંકેત સોનાના વધી રહેલા ભાવોએ આપ્યા હતા. અનેક ચીજવસ્તુઓના ભાવ બે આંકડામાં વધ્યા હતા. પણ આ વર્ષે દ્રશ્ય અલગ છે. વ્યાજદરો હજુ નીચા છે અને ફુગાવો વધી રહ્યો છે છતાં સોનાના ભાવ વર્ષાનુવર્ષ વધવાને બદલે ઘટયા હોવાનું દેખાય છે. 
અમેરિકાની અને ભારતની મધ્યસ્થ બેંકો એવો ભ્રમ ફેલાવે છે કે ફુગાવો જરૂર વધે છે, પણ એ માત્ર થોડા સમય માટે જ હશે. સરવાળે એવું બન્યું છે કે અત્યારે અર્થતંત્રમાં સોનાની કોઈ ભૂમિકા જ નથી. અલબત્ત, સોનાના રોકાણકારો ધીરજવાન છે. તેઓ લાંબી રેસના ઘોડાની જેમ સોનાના કાગળોને બદલે પીળી ધાતુને વધુ પ્રેમ કરે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer