ઉ. પ્રદેશમાં શેરડીના ખરીદ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ 25નો વધારો

ઉ. પ્રદેશમાં શેરડીના ખરીદ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ 25નો વધારો
લખનઉ  તા. 28 સપ્ટે. 
આ વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે, એવામાં સરકારે શેરડીના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો, વિરોધી પક્ષો અને અન્ય હિસ્સાધારકોની માગણીથી વિપરીત આ વધારો પ્રતિ ક્વિન્ટલ ફક્ત રૂ.25 છે. 
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શ્રેષ્ઠ ગુણવત્તાની શેરડીની ખરીદ કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂ.325થી વધારીને રૂ.350 અને અન્ય ગુણવત્તાની શેરડીમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.315થી વધારીને રૂ.340 કરી છે.  
ઉત્તર પ્રદેશમાં છેલ્લાં ચાર વર્ષથી શેરડીના ભાવ સ્થિર હોવાથી ખેડૂત સંગઠનો ઉપર ઘણા સમયથી ભાવ વધારવાનું દબાણ છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે શેરડીના એફઆરપી પ્રતિ ક્વિન્ટલ રૂ.285થી વધારીને રૂ.290 કર્યો છે.  
યોગી આદિત્યનાથે સૂચિત જાહેરાત કરતાં કહ્યું કે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના શાસનમાં ઘણી સુગર મિલો બંધ પડી હતી. બીએસપી સરકારે સરકાર હસ્તક સુગર મિલોનું વેચાણ ઓછા ભાવે કર્યું હતું. જોકે વર્તમાન રાજ્ય સરકાર દ્વારા અમુક સુગર મિલો ફરી શરૂ કરવામાં આવી છે અને ઉત્તર પ્રદેશમાં આ સીઝનમાં 4298 લાખ ટન શેરડીનું પિલાણ થયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer