જેતપુર સાડી ઉદ્યોગના કારીગરોને મહિનાનું બોનસ આપવા માગ

અમારા પ્રતિનિધિ તરફથી 
જેતપુર, તા.22 અૉક્ટો. 
જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા પચાસ હજાર કારીગરોને દિવાળીનું ત્રીસ દિવસનું બોનસ આપવા માટે આપ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે. ઉદ્યોગ વર્ષે અઢીથી ત્રણ હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવે છે. કોરોના કાળને લીધે આ ઉદ્યોગ પણ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. કારીગરોની હાલત સાવ કફોડી થઈ ગઈ છે. એ સમયે તહેવાર સારી રીતે ઉજવી શકાય તે હેતુથી કારીગરોને બોનસ અપાય તેવી માગ થઇ છે. 
કારીગરોની કપરી પરિસ્થિતિને કારણે આમ આદમી પાર્ટીની બંધારણ સમિતીએ મામલતદારને આવેદનપત્ર આપી કારીગરોને ત્રીસ દિવસનું બોનસ આપવાની માંગ કરી હતી. પાર્ટીના જાતિનભાઈએ જણાવેલ કે, સાડી બનાવતા ઉદ્યોગપતિઓએ અત્યાર સુધી કારીગરોનું શોષણ જ કર્યું છે. સરકાર પાસે કારીગરોને રોજીરોટી આપવાના બહાને સહાય મેળવે છે. પરંતુ કારીગરોને ક્યારેય  સહાય કરી નથી. કોરોના કાળમાં દેખાવ પૂરતી સહાયની વાત કરેલી હતી. પરંતુ કારીગરોને મદદ મળી નથી. એ વખતે વતન જવા માટે પણ પરપ્રાંતીય કારીગરોએ પણ ઉધારી કરીને ટિકીટો ખરીદી હતી. 
ઉદ્યોગમાં અત્યાર સુધીમાં અસંખ્ય કારીગરોના કામ પર મોત થયાં છે. તેમાં કારખાનાઓ તરફથી સહાયના નામે કશું મળ્યું નથી.  ઉદ્યોગમાં લેબર એક્ટ લાગુ પાડવામાં આવતો નથી તેવું આપે જણાવ્યું છે. 
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેમના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓને 72 જેટલા દિવસનું  પેંશન આપવાની જાહેરાત કરી છે. તો વર્ષોથી કારખાનાઓ સાથે જોડાયેલ કારીગરોની પણ મંદીના માહોલમાં દિવાળી જેવો તહેવાર પરીવાર સાથે ઉજવી શકે તે માટે કમસેકમ ત્રીસ દિવસનું બોનસ આપે તેવી આપની બંધારણ રક્ષક સમિતી દ્વારા માગ કરવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer