વેપારીઓનાં ઉઠમણાં બાદ ફોગવા આક્રમક મૂડમાં

રેફરન્સ આપનાર પાસેથી વસૂલાત કરાશે  
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 22 અૉક્ટો.
વિવર્સનું સંગઠન ફેડરેશન ઓફ ઓલ ગુજરાત વિવર્સ એસોસીએશન(ફોગવા) લેભાગુ વેપારી સામે લડી લેવાના મૂડમાં છે. પાછલા કેટલાક સમયથી વિવર્સ સાથે છેતરપીંડી કરીને ઉઠમણાં કરનાર વેપારીઓ સંખ્યામાં વધારો થયો છે. જેને લઇને તાજેતરમાં જ ફોગવાએ શહેર પોલીસ કમિશ્નરને આવા વેપારીઓના નામની યાદી આપી હતી. પોલીસ ક્યારે પગલા લેશે તે કોઇ કહી શકે તેમ નથી. પરંતુ ફોગવાએ આક્રમકતા અપનાવતા જે કોઇ વેપારી લેભાગુ વેપારીને માલ વેચવાનો રેફરન્સ આપશે તેઓ પાસે ઉઠમણાં કરીને ફરાર થનારની રકમ વસૂલવાનું નક્કી કર્યું છે. 
ફોગવાની સુરતમાં સ્વતંત્ર ઓફિસ શરૂ કરાઇ છે. જેના ઉદઘાટન પ્રસંગે શહેરભરમાંથી વિવર્સ આગેવાનો અને કાપડઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ઉમટી પડ્યા હતા. જેમાં લેભાગુ અને ચીટર વેપારી ટોળકીના મામલે વિવર્સ આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી.  
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ ફોગવાની નવી ઓફિસના શરૂઆત પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, વિવર્સના પ્રશ્ને ફોગવા સતત જાગૃત્ત છે. લેભાગુ વેપારીઓને પકડી પાડવા અને રેફરન્સ આપનાર પાસે નાણા વસૂલવા સુધીની તૈયારીઓ અમે કરી છે. હાલમાં જ શહેર પોલીસ કમિશ્નરને અમે લેભાગુ અને ઉઠમણાં કરી નાસી છૂટનાર વેપારીઓના નામની યાદી સોંપી છે. અમારો ઉદેશ માર્કેટમાંથી ઉઠમણાં અટકાવવાનો છે. શહેરમાં ફોગવાનું મઘ્યસ્થ કાર્યાલય ખુલી ગયું છે. જે શહેરની રીગરોડ વિસ્તારમાં જ માર્કેટો વચ્ચે છે. વિવર્સ પોતાની ફરિયાદ આહિં આવીને કરી શકશે. અમે આગામી દિવસોમાં સંપૂર્ણ એકશન પ્લાન આપીશું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer