કાપડના જીએસટીમાં ફેરફાર થાય તો ધંધો પડી ભાંગશે

સુરતની સાથે માલેગાંવ, ભીવંડી અને ઇચ્છલકરંજીના આગેવાનોનો વિરોધ 
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 22 અૉક્ટો.  
જીએસટી કાઉન્સીલની બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી ર0રરથી ટેકસટાઇલ ક્ષેત્રમાંથી ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કાપડઉદ્યોગ ઉપર એકસમાન જીએસટી લાગુ થશે. ઉદ્યોગકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા આ મામલે સુરત ઉપરાંત ઇચ્છલકરંજી, માલેગાંવ, ભીવંડી સહિતના દેશભરના ટેક્સટાઇલના આગોવાનોના મત જાણવા પ્રયાસ કર્યો હતો. બેઠકમાં ઉદ્યોગકારોએ પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે જીએસટી દરમાં ફેરફાર કોઇપણ સંજોગોમાં વાજબી નથી. સરકારમાં ધારદાર રજૂઆત માટેનું પ્લેટફોર્મ તૈયાર કરાઇ રહ્યું છે.  
ફીઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ બેઠકમાં ટાંક્યું હતું કે, હાલનું જે સ્ટ્રકચર છે તેમાં રિફંડ મળે છે અને રિફંડ મેળવવા માટે ઉદ્યોગકારોને કોઇ તકલીફ પડતી નથી. જે રિફંડ મળે છે તેને ફરીથી ઉદ્યોગોમાં જ ફરી રોકાણ કરવામાં આવે છે. જેને કારણે વાવિંગ કેપેસિટીમાં સતત વધારો થઇ રહયો છે.  ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, વાવિંગ સેકટરમાં પેમેન્ટ ટર્મ્સ છ મહિનાની હોય છે. વળી, પાર્ટી ઉઠમણાના કેસો બને ત્યારે વિવર્સના રૂપિયા ડૂબી જાય છે. એવા સંજોગોમાં ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર દૂર કરવામાં આવશે તો વિવર્સે પોતાના રૂપિયાનું રોકાણ કરી પેમેન્ટ ચૂકવવ પડશે. જો જીએસટી કર માળખામાં ફેરફાર કરાશે તો વાવિંગ ઉદ્યોગ પડી ભાંગશે.  
ટેક્સટાઇલ આગેવાન બ્રિજેશ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર બદલવું હોય તો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેઇનમાં પ ટકાનું જ માળખું લાગવું જોઇએ.  
ફોસ્ટાના ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે, કાપડ ઉદ્યોગખાસ કરીને ટ્રેડીંગ અને રિટેઇલીંગ સૌથી વધુ રોજગારી આપે છે. જીએસટી કર માળખું બદલાશે તો છેવાડાના ગ્રાહક માટે કાપડ મોંઘુ થશે અને નાના – નાના વેપારીઓના ધંધા ઉપર માઠી અસર પહોંચશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer