સ્ટે. સ્ટીલ પ્રોડક્ટ્સ પરનો જીએસટી ઘટાડવા માગણી

અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 22 અૉક્ટો.  
સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સના વેપારીઓ, સ્ટોકિસ્ટો અને સપ્લાયરોમાં હવે ભાવવધારા સામેના  કચવાટ ઉપરાંત નાણાભીડ પણ ચિંતાનો વિષય બની રહી છે. મેટલ-સ્ટીલના સ્થાનિક મોટા સ્ટોકિસ્ટ અને સપ્લાયરોના જણાવ્યા પ્રમાણે સ્ટેનલેસ સ્ટીલ પાટા-સળિયા-રોડ જેવી ઔદ્યોગિક ઉત્પાદન સામગ્રીના ભાવમાં છેલ્લા છ મહિના દરમિયાન અંદાજે 30થી 50 ટકાનો વધારો થઈ ચૂક્યો છે.  
સ્થાનિક અગ્રણી સપ્લાયરોએ જણાવ્યું હતું કે છેલ્લા મહિના દરમિયાન જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ અને પ્રોડક્ટના ભાવમાં `ગમે ત્યારે' મનફાવે તેટલો ભાવવધારો ફટકારવામાં આવી રહ્યો છે. એટલે અમે આગલા દિવસે લીધેલા ઓર્ડરમાં પણ હવે નુકશાનનો અંદેશો રહેતો હોય છે. બીજી તરફ છેલ્લા એક વર્ષ દરમિયાન અમારી કાર્યકારી મૂડીની જરૂરિયાત 30થી 40 ટકા વધી ગઈ છે. તેથી સ્વાભાવિક જ અમારો વ્યાજખર્ચ વધતો જાય છે અને માર્જિન સતત દબાણમાં આવી રહ્યું છે. મધ્યમ કક્ષાના વેપારીઓ માટે વેચાણનું વૉલ્યુમ ઘટાડવા સિવાય કોઈ માર્ગ રહેતો નથી. નવુ વધુ બૅન્ક ધિરાણ મેળવવું કઠિન  હોવાથી હવે અમારે પુરવઠો ઘટાડવો પડશે.   
આગામી કઠિન સમયનાં એંધાણને જોતાં સ્થાનિક સંગઠન સાથે સંકળાયેલ હોદ્દેદારો તરફથી હવે સરકાર સમક્ષ  સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટનો વપરાશ અને વેચાણ જાળવવા જીએસટીમાં ઘટાડો કરવાની માગ જોર પકડી રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ પર 18 ટકાનો ભારે જીએસટી વસૂલવામાં આવે છે. પરિણામે વેપારીઓએ ઉધારીમાં કરેલા ધંધામાં જીએસટીની સારી એવી રકમ રોકાયેલ રહે છે જેની સીધી અસર તેમના વેપારના વોલ્યુમ પર પડી રહી છે. જીએસટીમાં ઘટાડો કરવાથી અમારું રોકાણ ઘટવા સાથે વપરાશ પર પડનારી ભાવિ અસરને રોકી શકાશે એમ સ્ટેનલેસ સ્ટીલના વેપારીઓએ 'વ્યાપાર'ને જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer