ફાઈનાન્સિયલ શૅર્સમાં ખરીદીથી ઉડાઉડ વેચવાલી અટકી

કૉમોડિટીના વૈશ્વિક ભાવ ઘટતાં મેટલ શૅર્સની તેજીને વિરામ
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 22 અૉક્ટો.
તોફાની વધઘટ અને પ્રોફિટ બુકિંગના વલણથી સતત ચોથા સત્રમાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્ષ 101.88 પોઈન્ટ્સ (0.17 ટકા) ઘટીને 60,821.62ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 63.20 પોઈન્ટ્સ (0.35 ટકા) ઘટીને 18,114.90ના સ્તરે બંધ રહ્યો હતો. ફાઈનાન્સિયલ કંપનીઓના શૅર્સમાં થયેલી ખરીદીના કારણે શૅરબજારમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
નિફ્ટીમાં હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, તાતા મોટર્સ, આઈટી અને તાતા કન્ઝ્યુમર પ્રોડકટ્સના શૅર 
ભાવ સૌથી અધિક ઘટયા હતા, જ્યારે એચડીએફસી, બજાજ અૉટો, કૉટક મહિન્દ્ર બૅન્ક, ઓએનજીસી અને ઍક્સિસ બૅન્કના શૅર ભાવ સૌથી અધિક વધ્યા હતા. આજે 1205 કંપનીઓના શૅર ભાવ વધ્યા હતા, 1865ના ઘટયા હતા અને 119 કંપનીઓના શૅર ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. 
ચીનના લીધે મેટલ સૂચકાંકોની ચમક ઘટી
ઊર્જા કટોકટીને લીધે મેટલ શૅર્સમાં તેજી જોવા મળી હતી. કોલસાના ભાવ પણ વધી રહ્યા હતા. જોકે તાજેતરમાં જ ચીન સરકારે જાહેરાત કરી કે તેઓ કોલસાના ભાવને નિયંત્રિત રાખવા હસ્તક્ષેપ કરશે. તેમની આ જાહેરાત બાદ કૉમોડિટી બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ગુરુવારે લંડન મેટલ એક્સચેન્જ (એલએમઈ)માં કોપર, એલ્યુમિનિયમ, લીડ અને ઝીંકના વાયદા બેથી છ ટકાની રેન્જમાં ઘટયા હતાં. શાંઘાઈમાં પણ ચિત્ર લગભગ સરખું જહતું. આની અસર શૅર બજાર ઉપર પડી હતી. બીએસઈ મેટલ ઈન્ડેક્સ 2.93 ટકા અને નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3.04 ટકા ઘટયો હતો. 
ત્રિમાસિક પરિણામો બાદની હિલચાલ
આજે યસ બૅન્કના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામ જાહેર થયા હતા, જેમાં બૅન્કનો નફો વાર્ષિક ધોરણે 74.3 ટકા વધી રૂા. 226 કરોડ થયો હતો.  બૅન્કનો શૅર રૂા. 14.55માં ખૂલીને સત્રના પ્રારંભમાં જ રૂા.14.65ની ટોચને સ્પર્શયા બાદ રૂા. 13.40ની નીચલી સપાટીને સ્પર્શયો હતો. સંપૂર્ણ સત્ર દરમિયાન લેવાલ કરતા વેચવાલ વધુ હતા. ત્રિમાસિક પરિણામ જાહેર થયા છતાં શૅરમાં ઉછાળો આવ્યો નહોતો. થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે બૅન્કના એનપીએ ખરીદવા માટે વૈશ્વિક અગ્રણી રોકાણકારો - એરીસ એસએસજી, વર્ડે પાર્ટનર્સ, સેર્બિટસ કૅપિટલ અને ઓકટ્રી એક એસેટ રિકન્સ્ટ્રકશન કંપની (એઆરસી)ની રચના કરશે. આ યસ બૅન્કની લાભમાં હશે. પરિણામે છેલ્લા પાંચ દિવસના ઉછાળા બાદ આજે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. સત્રના અંતે બૅન્કનો શૅર 3.85 ટકા ઘટીને રૂા. 13.75ના સ્તરે બંધ રહ્યો હતો.
ફેડરલ બૅન્કનો સપ્ટેમ્બર ત્રિમાસિક નફો 49.6 ટકા વધ્યા હોવાના સમાચાર બપોરે દોઢ વાગ્યેની આસપાસ આવ્યા હતા. તે પછી શૅરમાં અચાનક ઉછાળો આવ્યો હતો. સવારે બૅન્કનો શૅર રૂા. 97.20માં ખૂલ્યા બાદ રૂા. 93.60ની નીચલી સપાટીને સ્પર્શયા બાદ દોઢ વાગ્યા બાદ અચાનક શૅરમાં ઉછાળો આવ્યો હતો. પોણા બે વાગ્યાની આસપાસ 37,51,351 શૅરના વેચવાલીના ઓર્ડર સામે 1,31,07,348 ખરીદીના ઓર્ડર હતા. શૅરમાં દોઢ વાગ્યા બાદ ભારે તોફાની વધઘટ જોવા મળી હતી. અંતે શૅર 7.61 ટકા વધીને રૂા. 103.90ના સ્તરે બંધ રહ્યો હતો. 
આઈનોક્સ લિશ્યોરની ત્રિમાસિક ખોટ રૂા. 87.6 કરોડ થઈ હતી. આજે સત્ર દરમિયાન શૅર બાવન અઠવાડિયે ટોચે (રૂા. 434) પહોંચીને રૂા. 415ની નીચલી સપાટીને સ્પર્શયા બાદ વોલ્યુમ મંદ હોવાથી અંતે કંપનીનો શૅર 0.45 ટકા ઘટીને રૂા. 417.80ના સ્તરે બંધ રહ્યો હતો.
સ્ટીલ સ્ટ્રીપ્સ વ્હિલ્સનો સપ્ટેમ્બર ત્રિમાસિક નફો રૂા. 14 કરોડથી વધીને રૂા. 62.8 કરોડ થતા કંપનીનો શૅર 1.37 ટકા વધ્યો હતો . સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો નફો 30.7 ટકા વધતા શૅર 1.71 ટકા વધારે બંધ રહ્યો હતો. જોકે, પોલિકેબનો ત્રિમાસિક નફો 10.2 ટકા ઘટયો હોવા છતાં શૅર 1.71 ટકા વધ્યો હતો.  
પીવીઆરની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ રૂા. 153.1 કરોડ થતા સત્રના અંતે કંપનીનો શૅર 2.12 ટકા ઘટયો હતો. અપોલો પાઈપ્સનો ત્રિમાસિક નફો 47.9 ટકા વધ્યો હોવા છતાં શૅરમાં 0.19 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 
સોમવારે આ કંપનીઓના શૅર્સમાં તોફાની વધઘટ થશે?
આવતી કાલે ઘણી કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો જાહેર થશે પરંતુ અગ્રણી શૅર્સમાં આઈસીઆઈઆઈ બૅન્ક અને એમસીએક્સના પરિણામો જાહેર થશે. જ્યારે સોમવારે અગ્રણી કંપનીઓની વાત કરીએ તો સિએટ, કોફોર્જ, કોલગેટ-પામોલિવ, સીએસબી બૅન્ક, ઈકરા, ઈન્ડસ ટાવર, ટેક મહિન્દ્ર અને એસઆરએફના પરિણામો જાહેર હોવાથી ઈન્ટ્રા-ડે ટ્રેડર્સ આ શૅર્સમાં તોફાની રમત કરી શકે છે. પરિણામે વોલ્યુમ વધશે અને તોફાની વધઘટ જોવા મળશે. 
ટ્રેન્ડિંગ શૅર્સ
બીએસઈની માહિતી અનુસાર આજે ટ્રેન્ડિંગ શૅર્સમાં એશિયન પેઈન્ટ, બાયોકોન, ડીસીએમ શ્રીરામ, ફેડરલ બૅન્ક, જીડીએલ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બૅન્ક, આયઈએક્સ, ઈન્ડોસ્ટાર, આઈઆરબી, કેઈસી, કૉટક બૅન્ક, સ્પંદના અને શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સનો સમાવેશ હતો.
નાણાકીય પરિણામોના સ્કોર સકારાત્મક
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીઓની કામગીરી શુક્રવાર 22 અૉક્ટોબર સુધી સારી રહી હોવાનું બીએસઈના આંકડા દર્શાવે છે. અત્યાર સુધીમાં 211 કંપનીઓના નાણાકીય પરિણામો સકારાત્મક, 13 કંપનીઓના નકારાત્મક અને 88 કંપનીઓના ફ્લેટ આવ્યા છે. આમ ટકાવારીમાં પૉઝિટિવ 68 ટકા, નેગેટિવ 4 ટકા અને ફ્લેટ 28 ટકા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer