સિરામિક ઉદ્યોગમાં વપરાતો ગૅસ ફરી મોંઘો થવાનાં એંધાણ

સિરામિક ઉદ્યોગમાં વપરાતો ગૅસ ફરી મોંઘો થવાનાં એંધાણ
દિવાળી પૂર્વે ગૅસ કંપની ભાવ વધારે એવી ઉદ્યોગમાં આશંકા
અમારા પ્રતિનિધિ તરફથી 
મોરબી, રાજકોટ, તા. 22 અૉક્ટો .
ગયા વર્ષે કોરોનાકાળમાં સૌથી સારો દેખાવ સિરામીક ઉદ્યોગનો રહ્યો હતો. હજુ પાછલા ત્રણેક મહિના સુધી ઉદ્યોગની સ્થિતિ ઘણી સારી હતી પરંતુ હવે લગાતાર ગેસના ભાવવધારા આવી રહ્યા હોવાથી સિરામીક ઉદ્યોગ બેહાલ બની ગયો છે. બે વખત ગેસના ભાવ વધી ગયા પછી હવે નવેમ્બરના આરંભે અર્થાત દિવાળી પૂર્વે નવો વધારો આવી રહ્યાની ખબરો ફેલાતા ઉદ્યોગકારો ફફડી ઉઠ્યાં છે. 
બબ્બે વખત ભાવમાં વધારા પછી હવે નિકાસ પ્રભાવિત થઇ ઉઠી છે. બીજી તરફ નવો ગેસનો ભાવવધારો આવે તો મોંઘવારી ક્યાં જઇને અટકશે તેવો સવાલ થઇ ગયો છે. હવે તૈયાર માલના ભાવ વધે તો મોરબીનો આ ઉદ્યોગ હરિફાઇમાંથી સાવ આઉટ થઇ જાય એવી સ્થિતિ છે. 
મોરબી સીરામીક ઉદ્યોગમાં વપરાતા પીએનજી ગેસનો વપરાશ આશરે દૈનિક 70 લાખ ક્યુબીક મીટરનો છે. જે ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય કરવામા આવે છે. કંપની દ્વારા 24 ઓગસ્ટે 4.50 રૂપીયાનો ભાવ વઘારો કરતા ઉદ્યોગકારોએ ટાઈલ્સના ભાવ વધાર્યા હતા. એ પછી આંતરરાષ્ટ્રીય ભાવ વધતા ફરીથી ગેસ કંપની દ્વારા પહેલી ઓક્ટોબરે અચાનક અગાઉથી જાણ કર્યા વગર જ 10.15 રૂપીયાનો 
તોતીંગ ભાવ વઘારો કરી નાંખવામાં આવ્યો હતો. 
એકાએક મોટાં  ભાવવધારાને લીધે નિકાસ અને સ્થાનિક બજારમાં રહેલા પેન્ડિગ ઓર્ડરોમાં મોટી નુક્સાની આવી હતી તેમ ઉદ્યોગકારો કહે છે. ઉદ્યોગકારોએ 20 ટકા ભાવવધારો પણ કરી લીધો છે. જોકે હવે માગ નબળી હોવાથી નવો ભાવવધારો અસહ્ય બની જશે એટલે તે દિશામાં પણ ઉદ્યોગકારો વિચારી શકે તેમ નથી. 
36 દિવસના ગાળામા બે વખત ગેસના ભાવ વઘતા ટાઈલ્સ માકેઁટને ભાવ વઘારાનો મોટો ઝટકો વાગ્યો છે. આવી વિકટ સ્થિતિમાં પણ હવે વૈશ્વિક ભાવનું કારણ આપીને ગેસ કંપની 1 નવેમ્બરથી અર્થાત દિવાળી પૂર્વે નવો ભાવવધારો કરી રહી હોવાની ખબરો મળી છે.  સીરામીક ઉદ્યોગકારો ભારે મુંજવણમા મુકાયા છે. કારણ કે, ડોમેસ્ટીક માકેઁટમા ટાઈલ્સનો ભાવ વઘારો કરવો ખૂબ જ મુશ્કેલ થશે. નિકાસમાં પણ ઉભા રહી શકાય તેવી સ્થિતિ નથી. 
આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે પણ કન્ટેનરના ઉંચા ભાડા, જીસીસીના દેશોમા એન્ટી ડંપીંગ અને જહાજોની અછત જેવા કારણો છે જેનાથી નિકાસ અસરગ્રસ્ત બની છે. જીસીસી દેશોમાં એન્ટિ ડમ્પિગ ડ્યુટી હોવાથી 30% નિકાસમા ઘટાડો થયેલો છે. હવે ગેસના ભાવને લીધે નિકાસ ઘટે તેમ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer