ન્યૂ ક્લોથ માર્કેટમાં દિવાળીનો માહોલ જામ્યો : કરોડોનું ટર્નઓવર

ન્યૂ ક્લોથ માર્કેટમાં દિવાળીનો માહોલ જામ્યો : કરોડોનું ટર્નઓવર
પ્રોસેસર્સે ભાવવધારો માગ્યો
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 22 અૉક્ટો. 
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે ન્યુ ક્લોથ માર્કેટમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર થઇ રહ્યુ છે. ઘરાકી જોતા જણાય છે કે કાપડ માર્કેટમાં પૂર બહારમાં તેજી છે. જોકે રૂ અને યાર્નના ભાવમા વધારો થતા અને પ્રોસેસ હાઉસો પણ ભાવ વધારો માગી રહ્યા છે. એ કારણે  વેપારીઓ અસમંજસમાં છે. છેલ્લા કેટલાક સમયથી મોંઘા પેટ્રોલ-ડીઝલ, તેમજ કોલસાની તંગીને લઈને પ્રોસાસિંગ હાઉસ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે ભાવ વધારાને અંકુશમાં લેવાની પણ માગ ઉઠી છે.  
મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતુ કે જથ્થાબંધ બજારમાંથી મોટા પ્રમાણમાં ડિલીવરી થઇ રહી છે. કોરોના કાળમાં અનેક મુશ્કેલીઓ હતી, માર્કેટ આશરે 100 દિવસ બંધ રહ્યા હતા ત્યારે મારી દ્રષ્ટિએ આ વખતે શ્રેષ્ઠ દિવાળી રહેવાની ધારણા છે. દિવાળી બાદ કાપડ અને ગારમેન્ટના જથ્થાબંધ બજારમાં સારા પેમેન્ટ પાછા અવવાની વકી છે. ભારતમાં દક્ષિણમાં કોઇની પાસે માલ નથી. કોરોનામાં માર્કેટ લાંબા સમય સુધી બંધ રહેતા દરેક શહેરો અને ગ્રામિણ માર્કેટમાં કાપડની મોટા પ્રમાણમા અછત ઊભી થઇ છે. હવે ઘરાકી પૂરબહારમાં આવવાની સંભાવના છે.   
તેમણે જણાવ્યુ હતુ કે આ વખતે ન્યૂ ક્લોથ માર્કેટમાં દિવાળીને લઈને પોઝિટિવ માહોલ જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે કાપડ તૈયાર કરવા માટે રૉ-મટિરિયલની જરૂર પડે. તેમાં કેમિકલ, બોઈલર ચલાવવા કોલસો વગેરેનો સમાવેશ થાય છે. આ બધામાં બેથી ત્રણ ગણો વધારો થયો છે જેને લઈને કાપડના ભાવમાં  40 ટકાનો વધારો થયો છે. જોકે, કેટલાક હાઉસે કાચા માલના ભાવમાં દિવાળી પછી ઘટાડો થશે તેમ માનીને હમણાં ઉત્પાદન ઓછુ કર્યું છે.  
અમદાવાદ પ્રોસેસર્સ એસોસેશનના ઉપપ્રમુખ નરેશ શર્માએ જણાવ્યું હતુ કે નારોલ, નરોડા અને વટવા સહિતના વિસ્તારોમાં 1 હજાર જેટલા પ્રોસાસિંગ યુનિટોની સ્થિતિ ક્યારે સુધરશે તે કહી શકાય તેમ નથી. કેમ કે હાલમાં 24 કલાકને બદલે માત્ર 12 કલાક જ ચાલે છે. તેમાં પણ કોલસાની તંગી તેમજ કાચા માલના ભાવો વધતાં 30 ટકા તો બંધ જ છે. આ સ્થિતિમાં આગામી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીની માગને પહોંચી વળવું કપરું છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહીવત હોવાથી ધીમે ધીમે સુધારો થશે તેવી આશા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer