ખેડૂતોને પૅકેજ અપૂરતું લાગ્યું

ખેડૂતોને પૅકેજ અપૂરતું લાગ્યું
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની માગ કરાઈ
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 અૉક્ટો. 
વરસાદ-વાવાઝોડાંથી ખેતીને સૌરાષ્ટ્રમાં વ્યપાક નુક્સાન થયું છે તેની સામે સરકારે ગત બુધવારે જાહેર કરેલું રૂ. 546 કરોડનું પેકેજ ખૂબ જ ઓછું છે અને ફક્ત થોડાં ખેડૂતોને લાભ મળે તેવું છે. સૌરાષ્ટ્રના સરેરાશ ખેડૂતોને વરસાદ અને વાવાઝોડાંથી 33 ટકા કરતા વધારે નુક્સાન થયું છે એટલે મુખ્યમંત્રી કિસાનસહાય યોજનામાંથી જ દરેકખેડૂતને લાભ આપવો જોઇએ. પેકેજની રકમ કોડી જેટલી છે તેમ ભારતીય કિસાન સંઘના રાજકોટ વિભાગે કહ્યું હતુ.  
સિઝનના આરંભે તૌકતે વાવાઝોડું, પછી વરસાદ નહીં થતા ફેરવાવણી અને બાદમાં ખૂબ વરસાદ અને ગુલાબ વાવાઝોડાંથી ખૂબ નુક્સાની ખેતીને થઇ છે. વરસાદ 31 કરતા વધારે દિવસો સુધી ન હતો એ કારણે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના 28 દિવસના નિયમ મુજબ સહાય કરવી જોઇએ. એ પછી અતિવૃષ્ટિથી પણ ખૂબ નુક્સાની ગઇ છે ત્યારે આ જ યોજનામાંથી સહાય આપવી જરુરી છે. પેકેજથી કિસાનોને કશું હાથમાં આવે તેમ નથી. 
સરકારે જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 22 તાલુકામાં સમાવિષ્ટ 662 ગામોને આ સહાય- રાહત પેકેજમાં સમાવ્યા છે.  2.82 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે તેવી જાહેરાત સરકારે કરી છે.  
કિસાન સંઘના રાજકોટ જિલ્લાના દિલીપ સખીયાએ કહ્યું કે,   35 તાલુકામાં ચોમાસા વખતે એક મહિના કરતા વધારે સમય વરસાદ  હતો. એ પછી ભારે વરસાદ થયો. આમ ખેડૂતો બન્ને સંજોગમાં ધોવાયા છે. 
અનેક ગામડાં અને તાલુકાઓ પાણીમાં ગરક થઇ ગયા છતાં સરકારે 33 ટકા કરતા વધારે નુક્સાની હોય તેવાને જ પેકેજનો લાભ આપ્યો છે. ખરેખર તો ખેડૂતોની નુક્સાની પચ્ચાસ ટકા કરતા વધારે છે. કઠોળ, તલ, બાજરી, સોયાબીન અને ડુંગળી જેવા પાકો ધોવાઇ ગયા છે. કપાસ અને મગફળીમાં 30-40 ટકા નુક્સાન થયું છે. છતાં કિસાનોને તેનો લાભ નથી.  
સરકારે મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ 1 હેક્ટરે રૂ. 20 હજાર એમ કુલ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવી જોઇએ. હવે પાક વીમો બંધ છે પણ જ્યારે ચાલુ હતો ત્યારે સરકાર વીમા કંપનીને કરોડોનું પ્રિમિયમ ચૂકવતી હતી. પ્રિમિયમ જેટલી રકમ ખેડૂતોને ચૂકવાય તો પણ આવા પેકેજ કે સર્વે કરવા ન પડે તેમ ખેડૂતોએ કહ્યું હતુ.  
સરકાર દ્વારા 2 હેક્ટરની મર્યાદામાં રૂ.13000 પ્રતિ હેક્ટરની સહાયનું આકલન કર્યું છે. એ ઉપરાંત એસડીઆરએફના ધોરણ પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં રૂ.6800 ચૂકવવાની જાહેરાત કરી છે. બાકી તફાવત રૂ. 6200 રાજ્યના બજેટમાંથી ચૂકવાશે. એ માટે 20 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer