નેપાળ બાસમતીનું ઉત્પાદન વધારશે : ભારત સામે નવો હરીફ જાગશે

નેપાળ બાસમતીનું ઉત્પાદન વધારશે : ભારત સામે નવો હરીફ જાગશે
ડી. કે. 
મુંબઇ તા: 22, અૉક્ટા.
ભારતના જગવિખ્યાત બાસમતી ચોખાના કારોબાર સામે નેપાળ પડકાર બની રહ્યું હોવાના અહેવાલ છે. પશ્ચિમ નેપાળના અંતરિયાળ વિસ્તારોમાં નેપાળ સરકાર ખેડૂતોને બાસમતી ચોખાનું ઉત્પાદન વધારવા પ્રોત્સાહિત કરી રહી હોવાથી નેપાળ દ્વારા ભારતમાંથી કરાતી બાસમતી ચોખાની આયાત તો ઘટશે જ. તે ઉપરાંત વૈશ્વિક બજારમાં નેપાળ ભારતનું હરીફ બની શકે છે. 
નેપાળમાં આ વખતે ડાંગરના કુલ 7500 હેકટરમાં થયેલા વાવેતરમાં 2000 હેક્ટરમાં માત્ર બાસમતીનું જ વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. નેપાળ રાષ્ટ્ર બેંકને ટાંકીને પ્રકાશિત થયેલા આંકડા પ્રમાણે નેપાળે ગત વષે 50.48 અબજ રુપિયાનાં ચોખાની આયાત કરી હતી. નેપાળવાસીઓની વધતી આવક બાદ હવે સ્થાનિક નાગરિકોમાં બાસમતી ચોખા ખાવાનું ચલણ વધતું જાય છે, જેના કારણે છેલ્લા નાણાકીય વર્ષમાં નેપાળની ચોખાની આયાતમાં એક જ વર્ષમાં 51.40 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેમાંની મોટા ભાગની આયાત બાસમતી ચોખાની હતી. હવે નેપાળનું એગ્રિકલ્ચર નોલેજ સેન્ટર સ્થાનિક ખેડૂતોને સુગંઘીદાર બાસમતી ચોખાની ખેતી કરવા માટે જરુરી તાલીમ આપશે. ત્યાર બાદ આગામી વર્ષોમાં તેનું માર્કાટિંગ કરવામાં આવશે. શરૂઆતમાં સ્થાનિક સ્તરે મહેન્દ્રનગર. ઘનગઢી તથા કાઠમંડુ જેવા શહેરોમાં સ્થાનિક બજારોમાં નેપાળમાં પાકેલા ચોખાનું વેચાણ શરૂ કરીને આયાત ઘટાડવાની નેપાળ સરકારની રણનીતિ છે. ત્યારબાદ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવાનું આયોજન છે.      
આમ તો યુરોપના દેશોમાં ભારતે બાસમતી ચોખા માટે જીઆઇ ટેગના વિશેષાધિકાર માટે કરેલા પ્રયાસોનો પાકિસ્તાને તથા નેપાળે વિરોધ કર્યો હતો. પરંતુ ભારતે આયોજનપૂર્વક ધારાધોરણો પ્રમાણે  બાસમતીના અધિકારના રજીસ્ટરેશનની અરજી કરી હતી જ્યારે પાકિસ્તાન અને નેપાળે પોતાના ચોખાના રજીસ્ટ્રેશન માટે અરજી કરવાને બદલે ભારતનો વિરોધ કરવાની ભૂલ કરી હોવાથી બાસમતીનાં નામે ભારતને મોટું નુકસાન ન થયું, પણ પડોશી દેશોની સ્પર્ધાના કારણે વૈશ્વિક બજારમાં આપણે નીચા ભાવે ચોખા વેચવા પડ્યા હતા. એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં ભારતની નિકાસ કમાણી 20 ટકા જેટલી ઘટીને રૂ. 10,688 કરોડ રહી ગઇ છે,  જયારે જથ્થાની દ્રષ્ટિએ નિકાસમાં 16 ટકાનો ઘટાડો થયો છે.  
નેપાળમાં ખાસ કરીને પોખરા તથા કાઠમંડુમાં હંસરાજ બાસમતી ચોખાની વિશેષ માગ નીકળી છે. જેને સ્થાનિક સ્તરે પહોંચી વળવા માટે નેપાળ સરકારે ખેડૂતોને માલ વેચવામાં મદદ કરવાની ખાતરી આપવા ઉપરાંત થાલારા, પિખેટ, મોરંગ, પાલ્પા, સાલ્યાન સુંસારી, તથા કાંચનપુર જેવા વિસ્તારોમાં હંસરાજ બાસમતીનું ઉત્પાદન વધારવાનાં પ્રયાસો આદર્યા છે. જો નેપાળ સરકારને આ અભિયાનમાં સફળતા મળે તો આગામી દિવસોમાં નેપાળના મોટાભાગનાં વિસ્તારોમાં બાસમતીનું વાવેતર કરવાનું આયોજન છે. ભારતે યુરોપ ઉપરાંત બીજા 15 જેટલા દેશોમાં ભારતના બાસમતીને માન્યતા મળી જાય તે માટે અભિયાન ચલાવ્યું હોવાથી ભારત નેપાળ તથા પાકિસ્તાન કરતાં ઘણું આગળ છે. પરંતુ નેપાળના સ્થાનિક બજારમાં ભારતના ચોખાનું વેચાણ ઘટી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer