અમદાવાદમાં કનેક્ટ સ્ટાર્ટઅપ્સ ડોટ્સમાં હેલ્થકેર સેગમેન્ટ પહેલી પસંદ

મુંબઇ, વડોદરાથી રોકાણકારો આવ્યા  
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 3 ડિસે. કોરોના કાળમાં આશરે દોઢ વર્ષ સુધી વેપાર ધંધાઓ બંધ રહ્યા બાદ અનેક લોકોની રોજગારી જતી રહી છે. આ સંજોગોમાં અસાધારણ કુશળતા ધરાવતા લોકો સ્ટાર્ટઅપ તરફ વળ્યા છે. તેમને પ્લેટફોર્મ અને સહાય કરવાના ઉદ્દેશથી અમદાવાદમાં કનેક્ટ સ્ટાર્ટઅપ ડોટ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 25 જેટલા સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો છે. જેમાંથી 13થી 14 સ્ટાર્ટઅપ્સને રોકાણકારો કે ધિરાણકર્તાઓએ નાણાં પૂરા પાડવાની બાંયધરી આપી છે. મોટા ભાગના રોકાણકારોએ હેલેથકેર સેગમેન્ટ પર પોતાની પસંદ ઉતારી છે.  
આ આયોજન દ્વારા તકનીકી અથવા નવીનતા દ્વારા સામાજિક અસરનું સર્જન કરવાનો છે. તેમજ તેનો હેતુ સફળ અને સામાજિક કીતે પ્રભાવશાળી સ્ટાર્ટ-અપ્સ બનાવવા માટે એક જ છત હેઠળ વન સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરવાનો છે. આ ઇવેન્ટનું આયોજન અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન, અમદાવાદ ચેપ્ટર કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા, ગુજરાત ટ્રેડર ફેડરેશન અને એન્જિનીયર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યુ છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતુ કે આમાં ફક્ત 25 એવા સ્ટાર્ટઅપ્સને સમાવવામાં આવ્યા છે જે સામાજિક ક્ષેત્રે પોતાનું કોઇને કોઇ યોગદાન આપે છે. આ ઇવેન્ટમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એલડી એન્જિનીયરીંગ અને વેલસ્પન જૂથ સહ આયોજક તરીકે જોડાયા છે.    
તેમણે જણાવ્યું હતુ કે કુલ સ્ટાર્ટઅપ્સમાંથી 7 પર્યાવરણ, 3 ઓટોમોબાઇલ અને હેલ્થકેરને લગતા પાંચથી સાત અને હેન્ડીક્રાફ્ટને લગતા સ્ટાર્ટ અપ્સ પણ છે. તેમણે જણાવ્યુ હતું કે સ્ટાર્ટ અપ્સને ધિરાણ અંગેની સલાહ મળી રહે તે માટે યસ બેન્ક અને કાલુપુર બેન્કના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સને શરૂઆતથી જ પોતાના નાણાંનું સંચાલન કેવી રીતે કરવું તે માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ પણ હાજર રહ્યા છે. તે લોકો સ્થાપનાથી માંડીને સંચાલન કેવી રીતે કરવું, ખરીદી કેવી રીતે કરવી, એકાઉન્ટ કેવી રીતે જાળવવા તેનો ખ્યાલ આપે છે. સામાન્ય રીતે સ્ટાર્ટઅપ્સ શરૂ કરનારને આ બધી ચીજોનો ખ્યાલ હોતો નથી.  
આ ઇવેન્ટની વિશેષતા એ છે કે વેપારીઓ પોતાની દુકાનમાં કે પોતાના શોરૂમમાં આવા સ્ટાર્ટઅપ્સને સ્પેસ પણ પૂરી પાડી છે. જેથી તેઓ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકે. અમે લોકો આવા સ્ટાર્ટઅપ્સને એક વર્ષ મેન્ટરશીપ કરીને ધંધો પૂરો પાડીશુ. 
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુ કે આ સ્ટાર્ટઅપ્સને ફક્ત રોકાણકારો જ મળે, વેન્ચર કેપિટાલિસ્ટ નહી. કેમ કે અગાઉના કિસ્સાઓમાં ઘણી વખત એવું જોવામાં આવ્યુ છે કે વેન્ચર કેપિટલિસ્ટ સમગ્ર બિઝનેસ હસ્તગત કરી લેતા હોય છે અને આવુ ન થાય તેનો અમે ખાસ ખ્યાલ રાખ્યો છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer